વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ માર્ગ, હોર્મુઝ સ્ટ્રેટમાં શનિવારે એક નવો રેકોર્ડ સર્જાયો હતો. છેલ્લા 50 દિવસમાં પ્રથમ વખત, એક જ દિવસમાં 20 થી વધુ મોટા જહાજોએ આ સંવેદનશીલ વિસ્તારમાંથી સુરક્ષિત રીતે પરિવહન કર્યું છે. શિપિંગ એનાલિટિક્સ ફર્મ 'કેપ્લર'ના ડેટા મુજબ, 1 માર્ચ પછી આ માર્ગ પર જોવા મળેલી જહાજોની આ સૌથી વધુ સંખ્યા છે. આ જહાજો તેલ, કુદરતી ગેસ અને અન્ય જીવનજરૂરી માલસામાન લઈને વિવિધ દેશો તરફ જઈ રહ્યા હતા.

ભારત અને અન્ય દેશોના જહાજોની અવરજવર

આ પરિવહનમાં ભારત અને ચીન તરફ જઈ રહેલા LPG જહાજોનો સમાવેશ થાય છે. વિશેષ કરીને, ભારતીય જહાજ 'દેશ ગરિમા' સંયુક્ત આરબ અમીરાત (UAE) થી આશરે 7,80,000 બેરલ ક્રૂડ ઓઈલ લઈને શ્રીલંકા જઈ રહ્યું હતું. આ ઉપરાંત, તાઈવાન માટે સાઉદી અરેબિયાનું 2 મિલિયન બેરલ તેલ લઈ જતું ટેન્કર અને ઇન્ડોનેશિયા જતું પનામા-ધ્વજવંદિત જહાજ પણ આ માર્ગ પરથી પસાર થયા હતા. જોકે, ઈરાને શુક્રવારે આ માર્ગ ખોલવાની જાહેરાત કર્યાના માત્ર 24 કલાકમાં જ તેને ફરીથી બંધ કરી દેતા અનિશ્ચિતતા વધી ગઈ છે.

અમેરિકાની નાકાબંધી અને ઈરાનનો વળતો પ્રહાર

બીજી તરફ, સમુદ્રમાં લશ્કરી તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકાએ દાવો કર્યો છે કે તેણે રવિવાર સુધીમાં નાકાબંધીનું ઉલ્લંઘન કરનારા લગભગ 25 ઈરાની જહાજોને અટકાવ્યા અથવા પાછા વાળ્યા છે. આના જવાબમાં ઈરાને અમેરિકન જહાજો પર ડ્રોન હુમલો કર્યાનો દાવો કર્યો છે. આ અથડામણ બાદ દરિયામાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે, જોકે નુકસાનની ચોક્કસ વિગતો હજુ બહાર આવી નથી.

'તુસ્કા' જહાજની જપ્તી અને વધતો વિવાદ

પરિસ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે અમેરિકન સૈન્યએ ઈરાની જહાજ 'તુસ્કા'ને દરિયાની વચ્ચે જ જપ્ત કરી લીધું. અમેરિકાના જણાવ્યા અનુસાર, છ કલાકની ચેતવણી બાદ પણ જહાજ ન અટકતા તેના પર ગોળીબાર કરીને તેને કસ્ટડીમાં લેવામાં આવ્યું હતું. ઈરાને અમેરિકાની આ કાર્યવાહીને "ચાંચિયાગીરી" ગણાવી છે અને તેનો જડબાતોડ જવાબ આપવાની ધમકી આપી છે. હોર્મુઝની આ સામુદ્રધુની હાલમાં ગ્લોબલ સપ્લાય ચેઈન માટે યુદ્ધનું મેદાન બની ગઈ છે, જ્યાં એક તરફ વેપારી જહાજો રસ્તો શોધી રહ્યા છે અને જી તરફ બે શક્તિશાળી દેશોની સેનાઓ સામસામે આવી ગઇ છે.
  • Follow us on: