પાકિસ્તાનમાં ધાર્મિક લઘુમતી સમુદાયની છોકરીઓ અને મહિલાઓની સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. લઘુમતી અધિકાર સંગઠન 'વોઇસ ઓફ પાકિસ્તાન તાજેતરના મીડિયા રિપોર્ટના અહેવાલ મુજબ, 2026 ના પ્રથમ 10 મહિનામાં ઓછામાં ઓછી 84 લઘુમતી છોકરીઓ અને મહિલાઓનું અપહરણ કરીને બળજબરીથી ધર્માંતરણ અને લગ્ન કરાવવામાં આવ્યા છે. સંગઠને આ ઘટનાઓને લઘુમતીઓ સામેનો ગંભીર અત્યાચાર ગણાવ્યો છે.
ખ્રિસ્તી અને હિન્દુ સગીર છોકરીઓ સૌથી વધુ નિશાન
અહેવાલમાં જણાવાયું છે કે 84 પીડિતોમાં 49 ખ્રિસ્તી અને 35 હિન્દુ છોકરીઓ સામેલ છે, જે દર્શાવે છે કે હિન્દુઓ કરતાં ખ્રિસ્તી સમુદાયની દીકરીઓ વધુ ભોગ બની રહી છે. ચોંકાવનારી બાબત એ છે કે આમાંથી 43 પીડિતો સગીર હતી, જેમાં 6 છોકરીઓની ઉંમર 14 વર્ષથી પણ ઓછી હતી. પ્રાંત મુજબ જોઈએ તો પંજાબમાં સૌથી વધુ 47 કેસ (એકલા લાહોરમાં 18), સિંધમાં 36 કેસ અને બલુચિસ્તાનમાં 1 કેસ નોંધાયો છે.
તંત્રની નિષ્ફળતા અને વાસ્તવિક આંકડા વધુ હોવાની આશંકા
VOPM ના ડેટા અનુસાર, 2021 થી 2025 દરમિયાન આવા 515 કેસ નોંધાયા હતા. જોકે, માનવ અધિકાર કાર્યકરોનું માનવું છે કે વાસ્તવિક આંકડો ઘણો મોટો હોઈ શકે છે, કારણ કે ઘણા પરિવારો ડર, બદલાની ભાવના અને સરકારી વ્યવસ્થા પરના અવિશ્વાસને કારણે પોલીસ ફરિયાદ નોંધાવતા નથી. સંગઠને આરોપ લગાવ્યો છે કે પોલીસ અને કોર્ટની ધીમી કાર્યવાહીને કારણે ગુનેગારોને છૂટો દોર મળે છે અને દીકરીઓને ઘરે પાછી લાવવાની આશા ઘટી જાય છે.
સરકારી વ્યવસ્થા સામે સવાલ અને કડક કાયદાની માંગ
સંગઠને ભાવુક શબ્દોમાં કહ્યું કે દરેક આંકડા પાછળ એક તૂટેલો પરિવાર અને એવી દીકરીની વ્યથા છે, જેને તેની મરજી વિરુદ્ધ ધર્મ પરિવર્તન કરાવી અજાણ્યા પુરુષ સાથે પરણાવી દેવામાં આવી છે. સગીર છોકરીઓ લગ્ન કે ધર્માંતરણ માટે કાયદેસર સંમતિ આપી શકતી નથી. VOPM એ પાકિસ્તાન સરકારને સવાલ કર્યો છે કે જ્યાં સુધી લઘુમતી પરિવારો ડરના ઓથાર હેઠળ જીવશે, ત્યાં સુધી દેશ સુરક્ષિત હોવાનો દાવો કરી શકાય નહીં. સંગઠને દરેક કેસની નિષ્પક્ષ તપાસ અને બાળકોને બચાવવા કડક કાયદા ઘડવાની માંગ કરી છે.
આ પણ વાંચોઃ Sanjay Raut :"યોગી નહીં તો યુપી પણ નહીં!" સંજય રાઉતે CM યોગી આદિત્યનાથના કર્યા ભરપૂર વખાણ