અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સરહદી તણાવ ફરી એક વખત ઉગ્ર બન્યો છે. તાજેતરમાં અફઘાનિસ્તાને પાકિસ્તાની સેનાની કાર્યવાહીનો પલટવાર કરતા સરહદ નજીક સૈન્ય ઓપરેશન હાથ ધર્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે. ખાસ કરીને ડૂરંડ લાઈન નજીક સ્થિતિ તંગ બની છે.

15 પોસ્ટ પર કબજો જમાવ્યો હોવાનો દાવો

મળતી માહિતી મુજબ અફઘાનિસ્તાન દ્વારા પાકિસ્તાનની સેનાની કેટલીક પોસ્ટને નિશાન બનાવી કાર્યવાહી કરવામાં આવી હતી. અફઘાન દળોએ સરહદ નજીક આવેલી પાકિસ્તાની સેનાની આશરે 15 પોસ્ટ પર કબજો જમાવ્યો હોવાનો દાવો કર્યો છે. જોકે, આ દાવા અંગે પાકિસ્તાન તરફથી સત્તાવાર પુષ્ટિ મળેલી નથી.

સરહદી વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ગોળીબાર અને અથડામણની ઘટનાઓ વધતી જતી હતી. બંને દેશો વચ્ચે ડૂરંડ લાઈનને લઈને વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. આ વિસ્તારમાં સુરક્ષા દળોની વધારાની તહેનાતી કરવામાં આવી છે અને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.

સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો

વિશ્વ સ્તરે પણ આ ઘટનાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે બંને દેશો વચ્ચેનો તણાવ પ્રાદેશિક સુરક્ષાને અસર કરી શકે છે. સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો છે અને સરહદ નજીકના વિસ્તારોમાં અવરજવર મર્યાદિત કરવામાં આવી હોવાનું જણાવાય છે. આ પરિસ્થિતિ કઈ દિશામાં આગળ વધે છે તે અંગે હજુ સ્પષ્ટતા નથી, પરંતુ બંને દેશો વચ્ચે વધતા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય સમુદાય સંયમ રાખવાની અપીલ કરી રહ્યો છે.

આ પણ વાંચો : Imran Khan મામલે બ્રિટિશ સંસદમાં ચર્ચા, વિપક્ષી સાંસદોની ઉગ્ર દલીલ