અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ ફરી એકવાર ગંભીર તબક્કામાં પહોંચ્યો છે. અફઘાન મીડિયાના દાવા મુજબ પાકિસ્તાની હવાઈ દખલના જવાબમાં અફઘાન દળોએ કડક કાર્યવાહી કરી છે.
અફઘાનિસ્તાન–પાકિસ્તાન સંઘર્ષ: F-16 તોડી પાડ્યાનો દાવો શું કહે છે?
અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી સરહદ પર ભારે તણાવ જોવા મળી રહ્યો છે. અફઘાનિસ્તાનના સૂત્રોના હવાલાથી અહેવાલ આપ્યો છે કે અફઘાન દળોએ તેમના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ કરનાર પાકિસ્તાની F-16 ફાઇટર જેટને તોડી પાડ્યો છે.
સળગતા વિમાનના કાટમાળની તસવીરો
અહેવાલ બાદ સોશિયલ મીડિયામાં સળગતા વિમાનના કાટમાળની તસવીરો અને વીડિયો ઝડપથી વાયરલ થયા. આ વીડિયોમાં દાવો કરવામાં આવે છે કે આ કાટમાળ પાકિસ્તાની એરફોર્સના F-16 વિમાનનો છે. જોકે, આ વીડિયોની સ્વતંત્ર રીતે પુષ્ટિ હજુ સુધી થઈ શકી નથી.
પાકિસ્તાન તરફથી શાંતિ, સત્તાવાર પુષ્ટિ નથી
આ સમગ્ર ઘટનાને લઈને Pakistan સરકારે હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. પાકિસ્તાનના અધિકારીઓએ માત્ર એટલું કહ્યું છે કે તેમણે સરહદી વિસ્તારોમાં આતંકવાદી ઠેકાણાઓ પર કાર્યવાહી કરી હતી, પરંતુ કોઈ વિમાનના નુકસાન અંગે સ્પષ્ટતા કરી નથી. બીજી તરફ, અફઘાન મીડિયા દાવો કરે છે કે પાકિસ્તાની હવાઈ હુમલાઓ અફઘાન હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યા હતા, જેના જવાબમાં અફઘાન દળોએ પ્રતિકાર કર્યો.
મુનીર પર દબાણ વધ્યું
આ ઘટનાને રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અહેવાલોમાં કહેવામાં આવી રહ્યું છે કે આ સ્થિતિએ પાકિસ્તાનના આર્મી ચીફ Asim Munir પર ભારે દબાણ ઊભું કર્યું છે. સરહદ પર સતત વધતા હુમલાઓ અને સૈનિકોના નુકસાનને કારણે પાકિસ્તાની સૈન્ય માટે સ્થિતિ પડકારરૂપ બની છે.
કાબુલ સહિત શહેરો પર હુમલા
ગુરુવારની મોડી રાત્રે પાકિસ્તાને અફઘાનિસ્તાનની રાજધાની Kabul સહિત અનેક મુખ્ય શહેરોમાં હવાઈ હુમલા કર્યા હોવાના અહેવાલ છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને ખુલ્લા યુદ્ધની ચેતવણી પણ આપી હતી. આ હવાઈ હુમલાઓના જવાબમાં અફઘાન દળોએ સરહદ પર પાકિસ્તાની સૈનિકો પર હુમલા કર્યા. અફઘાન સૂત્રોના દાવા મુજબ આ હુમલામાં 55 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. જોકે, પાકિસ્તાન તરફથી આ આંકડાની પણ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
https://twitter.com/AFGDefense/status/2027192536616624267
અફઘાનિસ્તાનનો દાવો, વિશ્વની નજર
Afghanistanના દાવાઓ અને સોશિયલ મીડિયામાં ફરતા દ્રશ્યોને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. નિષ્ણાતો માને છે કે જો બંને દેશો વચ્ચે તણાવ આવું જ વધતું રહ્યું, તો પરિસ્થિતિ ખુલ્લા યુદ્ધ તરફ જઈ શકે છે. હાલમાં, બંને દેશો તરફથી વિરોધાભાસી દાવાઓ અને અફવાઓ વચ્ચે સત્ય શું છે તે જાણવા દુનિયાની નજર સરહદી સ્થિતિ પર ટકી છે.
આ પણ વાંચો : Pakistan Afghanistan conflict : પાકિસ્તાન–અફઘાનિસ્તાન તણાવ, યુદ્ધ થાય તો કોણ આગળ?