તાજેતરમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનો તણાવ ફરીથી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. પાકિસ્તાને અફઘાન સરહદ નજીક હવાઈ હુમલાઓ કર્યા છે, જેમાં તેણે દાવો કર્યો છે કે તેહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) અને ઇસ્લામિક સ્ટેટ ખોરાસાન (ISKP) સાથે જોડાયેલા સાત આતંકી ઠેકાણાઓને નિશાન બનાવાયા હતા. પાકિસ્તાન અનુસાર, આ કાર્યવાહી તાજેતરના આત્મઘાતી હુમલાઓના જવાબમાં કરવામાં આવી હતી.
તેમની પાસે મજબૂત ગુપ્તચર
પાકિસ્તાની સરકારનું કહેવું છે કે તેમની પાસે મજબૂત ગુપ્તચર પુરાવા છે કે પાકિસ્તાનમાં થયેલા હુમલાઓ અફઘાન જમીન પરથી કાર્યરત નેટવર્ક દ્વારા યોજાયા હતા. બીજી તરફ, અફઘાન તાલિબાન આ આરોપોને નકારે છે અને કહે છે કે તેઓ કોઈ પણ પડોશી દેશ સામે હુમલાને સમર્થન આપતા નથી.
માનવાધિકાર અને જાનહાનિ
આ હવાઈ હુમલાઓમાં સામાન્ય નાગરિકો પણ અસરગ્રસ્ત થયા છે. અમેરિકન માનવાધિકાર સંસ્થા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન (IHRF) અનુસાર, મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા છે. સત્તાવાર આંકડા હજી જાહેર થયા નથી, પરંતુ આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય ચિંતા વધારી છે.
ફતવાનો વિવાદ કેમ અટવાયો?
પાકિસ્તાન લાંબા સમયથી માંગ કરી રહ્યું છે કે તાલિબાનના સર્વોચ્ચ નેતા હિબતુલ્લાહ અખુન્દઝાદા જાહેર રીતે ફતવો જારી કરે અને TTPના પાકિસ્તાન વિરુદ્ધના યુદ્ધને બિન-ઇસ્લામિક જાહેર કરે. પરંતુ તાલિબાને આ માંગણી નકારી કાઢી છે. તાલિબાનનું કહેવું છે કે તેમનો અમીર ફતવો નહીં પરંતુ ફરમાન આપે છે. જો પાકિસ્તાનને ધાર્મિક ફતવો જોઈએ, તો તેને દારુલ ઇફ્તા પાસે ઔપચારિક રીતે અરજી કરવી પડશે. તાલિબાન સ્પષ્ટ કરે છે કે તે અફઘાનિસ્તાનની બહાર થતી લડાઈને ન તો યોગ્ય કહી શકે અને ન તો ગેરકાયદેસર ઠેરવી શકે.
તાલિબાનની શરતો
- તાલિબાને પાકિસ્તાન સામે બે શરતો મૂકી છે:
- પાકિસ્તાન પોતાના દેશમાં ISKPના ઠેકાણાઓ નષ્ટ કરે અને તેમના નેતાઓની ધરપકડ કરે.
- પાકિસ્તાની લશ્કરી વિમાનો અફઘાન સરહદનું ઉલ્લંઘન બંધ કરે.
પરિસ્થિતિ કેમ વધુ ખરાબ થઈ?
ઓક્ટોબર પછી સરહદી અથડામણો વધી ગઈ. કતારની મધ્યસ્થીથી યુદ્ધવિરામની કોશિશ થઈ હતી, પરંતુ વાટાઘાટો નિષ્ફળ ગઈ. 2021માં તાલિબાન સત્તામાં આવ્યા બાદ TTPએ પાકિસ્તાન સામે હુમલાઓ વધાર્યા, જે આ સંઘર્ષનું મુખ્ય કારણ બન્યું છે. ફતવાનો મુદ્દો, આતંકવાદી હુમલાઓ અને પરસ્પર આરોપો – આ બધાં કારણોસર અફઘાન–પાકિસ્તાન સંઘર્ષ હાલ અટકતો દેખાતો નથી. જો બંને પક્ષો સંવાદ અને વિશ્વાસની દિશામાં આગળ નહીં વધે, તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
આ પણ વાંચો : US military operation : પ્રશાંત મહાસાગરમાં યુએસ સેનાનો હુમલો, ડ્રગ્સ બોટ પર કાર્યવાહી, 3નાં મોત