વર્ષ 2026 ની શરૂઆત આંતરરાષ્ટ્રીય રાજકારણ માટે અત્યંત અસ્થિર સાબિત થઈ રહી છે. ઈરાન અને વેનેઝુએલા બાદ હવે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નજર ક્યુબા પર છે. તાજેતરના નિવેદનોમાં ટ્રમ્પે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે વેનેઝુએલામાં તેમની મિશનની સફળતા બાદ હવે ક્યુબા તેમનું આગામી લક્ષ્ય હોઈ શકે છે. આ જાહેરાતે કેરેબિયન ક્ષેત્રમાં યુદ્ધનો ભય પેદા કર્યો છે.

વેનેઝુએલામાં લશ્કરી કાર્યવાહી

નવા વર્ષની શરૂઆતમાં જ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશથી અમેરિકી સશસ્ત્ર દળોએ વેનેઝુએલા પર એકાએક અને મોટો હુમલો કર્યો હતો. આ હુમલામાં વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્નીની અટકાયત કરી તેમને અમેરિકા લઈ જવામાં આવ્યા છે. આ ઘટનાક્રમે ક્યુબાની ચિંતામાં અનેકગણો વધારો કર્યો છે, કારણ કે ક્યુબા વર્ષોથી વેનેઝુએલાના રાજકીય અને આર્થિક સમર્થન પર નિર્ભર રહ્યું છે.

ક્યુબા પર મંડરાતું સંકટ

ટ્રમ્પે છેલ્લા એક વર્ષમાં અનેકવાર ક્યુબાને ધમકી આપી છે. વેનેઝુએલામાં થયેલા સત્તાપલટા બાદ ક્યુબાનો મુખ્ય ઉર્જા પુરવઠો કપાઈ ગયો છે, જેના કારણે ત્યાં ઈંધણની તીવ્ર અછત સર્જાઈ છે અને આર્થિક સંકટ ઘેરું બન્યું છે. ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે આ ધમકીઓનો સખત વિરોધ કરતા દેશની સાર્વભૌમત્વ રક્ષણ કરવાનો દાવો કર્યો છે, પરંતુ જમીની હકીકત ક્યુબા માટે પ્રતિકૂળ જણાય છે.

67 વર્ષ જૂનો સંઘર્ષ

અમેરિકા અને ક્યુબા વચ્ચેની દુશ્મનીનો ઇતિહાસ 1959ની ક્રાંતિથી શરૂ થાય છે, જ્યારે ફિડેલ કાસ્ટ્રોએ સત્તા સંભાળીને અમેરિકન કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું. 1962ની 'ક્યુબન મિસાઇલ કટોકટી' દરમિયાન વિશ્વ પરમાણુ યુદ્ધની અણી પર આવી ગયું હતું. ત્યારથી અમેરિકાએ ક્યુબા પર આર્થિક નાકાબંધી લાદી છે. ઓબામા શાસન દરમિયાન સંબંધો સુધારવાના પ્રયાસો થયા હતા, પરંતુ ટ્રમ્પ વહીવટીતંત્રે ફરીથી કડક વલણ અપનાવીને આર્થિક અને લશ્કરી દબાણ વધાર્યું છે.

આ પણ વાંચોઃ વૈશ્વિક તણાવ વચ્ચે North Korea ની આક્રમક કૂચ, હાઈ-પાવર મિસાઈલ એન્જિનનું કર્યું સફળ પરીક્ષણ