સાઉદી અરેબિયામાં સર્જાયેલી અસ્થિર અને બગડતી સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતની પ્રમુખ એરલાઇન કંપની 'એર ઇન્ડિયા' એ એક મોટો નિર્ણય લીધો છે. એર ઇન્ડિયાએ આગામી 20 ઓક્ટોબર સુધી સાઉદી અરેબિયાના મુખ્ય શહેરો રિયાધ, દમ્મામ અને જેદ્દાહ તરફ જતી તેમજ ત્યાંથી આવતી તમામ ફ્લાઇટ્સને અસ્થાયી રૂપે રદ કરી દીધી છે.
એરલાઇન દ્વારા ટ્વિટર પર કરાઇ જાહેરાત
એરલાઇન દ્વારા 16 ઓક્ટોબરના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' (X) પર આ સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ ફ્લાઇટ્સ રદ થવાથી મુસાફરોને ભારે અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે, જોકે એરલાઇને અસરગ્રસ્ત તમામ મુસાફરોને સંપૂર્ણ ટિકિટ રિફંડ (Full Refund) આપવાની જાહેરાત કરી છે.
૨૦ ઓક્ટોબર સુધી રિયાધ સહિત ૩ શહેરોની ફ્લાઇટ્સ રદ
સાઉદી અરેબિયામાં તાજેતરમાં થયેલા હુમલાઓના કારણે હવાઈ માર્ગો અને એરપોર્ટની કામગીરી ગંભીર રીતે પ્રભાવિત થઈ છે. ગત 10 ઓક્ટોબરના રોજ રિયાધ એરપોર્ટ પર થયેલા એક હુમલામાં દુર્ભાગ્યવશ એક ભારતીય નાગરિકનું પણ મોત નીપજ્યું હતું, જેના કારણે સુરક્ષા ચિંતાઓ વધુ વધી ગઈ છે. એર ઇન્ડિયાએ સ્પષ્ટ કર્યું છે કે મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની સલામતી તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. કંપની વર્તમાન પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને સ્થિતિ સામાન્ય થતાં જ સુરક્ષિત રીતે ફ્લાઇટ સેવાઓ ફરી શરૂ કરવા માટે સતત મૂલ્યાંકન કરી રહી છે.
ભારતીય દૂતાવાસની એડવાઈઝરી
આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે સાઉદી અરેબિયામાં ભારતના રાજદૂત વિપુલે ત્યાં વસતા ભારતીય સમુદાય માટે એક વિશેષ વિડિયો સંદેશ જારી કરીને નાગરિક સુવિધાઓ પર થયેલા હુમલાઓની સખત શબ્દોમાં નિંદા કરી છે. તેમણે જણાવ્યું હતું કે ભારત આ મુશ્કેલ સમયમાં સાઉદી સરકાર અને ત્યાંના નાગરિકોની સાથે મજબૂતાઈથી ઊભું છે. રાજદૂતે મૃતક ભારતીયના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી અને આ હુમલામાં ઘાયલ થયેલા અન્ય ૧૧ ભારતીયોની સારવાર માટે હોસ્પિટલ પ્રશાસન સાથે સંપર્ક સાધવામાં આવ્યો હોવાની માહિતી આપી હતી.
https://x.com/airindia/status/2110969241327546566?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2110969241327546566%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
સાઉદીમાં રહેતા લોકોને સાવચેત અને સતર્ક રહેવા સલાહ
ભારતીય દૂતાવાસે સાઉદી અરેબિયામાં રહેતા તમામ ભારતીયોને શાંત, સતર્ક અને સાવચેત રહેવા અપીલ કરી છે. એરપોર્ટ બંધ હોવાના કારણે હાલ વૈકલ્પિક વ્યવસ્થાઓ અથવા અન્ય એરલાઇન્સની સ્થિતિ ચકાસીને જ મુસાફરી કરવા સલાહ આપવામાં આવી છે. સાથે જ, સુરક્ષાના ભાગરૂપે હુમલાના ફોટા કે વીડિયો સોશિયલ મીડિયા પર શેર ન કરવા કડક ચેતવણી અપાઈ છે કારણ કે તે સાઉદી કાયદાનું ઉલ્લંઘન બની શકે છે. ઉમરાહ યાત્રાળુઓ અને નાગરિકો માટે દૂતાવાસ દ્વારા ૨૪ કલાકની હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Russia Earthquake : કામચટકામાં 7.0ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા