વિશ્વ અત્યારે મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચેના ભીષણ સંઘર્ષ પર નજર રાખી રહ્યું છે, ત્યારે બીજી તરફ એશિયામાં પણ યુદ્ધના વાદળો ઘેરાવા લાગ્યા છે. અમેરિકાએ દક્ષિણ કોરિયા સાથે મળીને સોમવારથી 'ફ્રીડમ શીલ્ડ' નામનો મોટા પાયે સૈન્ય અભ્યાસ શરૂ કર્યો છે. આ અભ્યાસ 19 માર્ચ સુધી ચાલશે, જેમાં હજારો સૈનિકો અને આધુનિક શસ્ત્રો ભાગ લઈ રહ્યા છે.


'ફ્રીડમ શીલ્ડ' અને સૈન્ય શક્તિનું પ્રદર્શન

દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફના જણાવ્યા અનુસાર, આ અભ્યાસમાં દક્ષિણ કોરિયાના લગભગ 18,000 સૈનિકો સામેલ છે. જોકે, અમેરિકાએ (USFK) તેના સૈનિકોની ચોક્કસ સંખ્યા જાહેર કરી નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ હજારો અમેરિકી સૈનિકો આ કવાયતમાં જોડાયા છે. આ અભ્યાસનો મુખ્ય હેતુ ઉત્તર કોરિયાના કોઈપણ સંભવિત હુમલાનો સામનો કરવા માટેની તૈયારીઓ ચકાસવાનો છે.

શસ્ત્રોના ટ્રાન્સફર અંગે સસ્પેન્સ

આ અભ્યાસ દરમિયાન એક મહત્વની ચર્ચા એ પણ ચાલી રહી છે કે શું અમેરિકા દક્ષિણ કોરિયામાં તૈનાત તેની 'પેટ્રિઅટ એન્ટિ-મિસાઇલ સિસ્ટમ' અને અન્ય સંસાધનોને ઈરાન સામેના યુદ્ધમાં વાપરી રહ્યું છે? દક્ષિણ કોરિયાના મીડિયામાં આવી અટકળો વહેતી થઈ છે. જોકે, સત્તાવાર રીતે બંને દેશોએ સુરક્ષાના કારણોસર આ બાબતે મૌન સેવ્યું છે અને જણાવ્યું છે કે આનાથી સાથી દેશોની સંરક્ષણ વ્યૂહરચના પર કોઈ નકારાત્મક અસર પડશે નહીં.

ઉત્તર કોરિયાનો ઉગ્ર વિરોધ

દર વખતની જેમ, કિમ જોંગ ઉનના નેતૃત્વ હેઠળના ઉત્તર કોરિયાએ આ સૈન્ય અભ્યાસને 'આક્રમણનું રિહર્સલ' ગણાવીને સખત વિરોધ કર્યો છે. કિમ જોંગ ઉને તાજેતરમાં જ દક્ષિણ કોરિયા પ્રત્યે કડક વલણ અપનાવ્યું છે અને રશિયા સાથેના લશ્કરી સંબંધો મજબૂત કર્યા છે. ઉત્તર કોરિયાએ યુક્રેન યુદ્ધમાં રશિયાને શસ્ત્રો અને સૈનિકો મોકલીને પોતાની સૈન્ય તાકાત અને મુત્સદ્દીગીરીનો પરચો આપ્યો છે.

વાટાઘાટો બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં કોઇ સુધાર નહી

2019માં ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ ઉન વચ્ચેની શિખર વાટાઘાટો નિષ્ફળ રહ્યા બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં કોઈ સુધારો થયો નથી. કિમે હવે અમેરિકા સામે શરત મૂકી છે કે તે પરમાણુ નિઃશસ્ત્રીકરણની જીદ છોડી દે. હાલમાં રશિયાની મદદથી ઉત્તર કોરિયા તેનું પરમાણુ શસ્ત્રાગાર ઝડપથી વિકસાવી રહ્યું છે, જે અમેરિકા અને તેના સાથી દેશો માટે મોટો પડકાર છે.

આ પણ વાંચોઃ US-Iran War: આકાશી હુમલા બાદ હવે ગ્રાઉન્ડ વોરની તૈયારી, ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યા મોટા સંકેત


  • Follow us on: