પૂર્વ સુપ્રીમ લીડર ખામેનેઈની સુરક્ષાને લઈને મોટો દાવો
ઈરાનના પૂર્વ સુપ્રીમ લીડર અલી ખામેનેઈની સુરક્ષા વ્યવસ્થાને લઈને એક અત્યંત ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ‘ઈરાન ઈન્ટરનેશનલ’ના અહેવાલ અનુસાર, ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા તેહરાનના મોફિદ વિસ્તારમાં ખામેનેઈના સત્તાવાર નિવાસસ્થાન નજીક એક અત્યાધુનિક અંડરગ્રાઉન્ડ સીક્રેટ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવ્યું હતું. આ રિપોર્ટમાં દાવો કરાયો છે કે જમીનથી અંદાજે 30થી 35 મીટરની ઊંડાઈએ બે અત્યંત સુરક્ષિત બંકરો બનાવવામાં આવ્યા હતા, જે તમામ પ્રકારની આધુનિક સુવિધાઓથી સજ્જ હતા. ઉલ્લેખનીય છે કે, ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ અમેરિકા દ્વારા કરવામાં આવેલા ભીષણ હુમલામાં સુપ્રીમ લીડર અલી ખામેનેઈનું મોત નીપજ્યું હતું.
પાર્કિંગ, શૂટિંગ રેન્જ અને બોમ્બ-પ્રુફ રૂમ જેવી સુવિધાઓ
આ ગુપ્ત પ્રોજેક્ટનું નામ ખામેનેઈના ભૂતપૂર્વ ડ્રાઈવરના નામ પરથી ‘હબીબ ઈબ્રાહિમી’ રાખવામાં આવ્યું હતું. આ આખા કોમ્પ્લેક્સનું નિર્માણ કાર્ય એક દાયકા કરતાં વધુ સમય સુધી ચાલ્યું હતું. રિપોર્ટ અનુસાર, જમીનની ઉપર એક આધુનિક સ્પોર્ટ્સ સેન્ટર ઊભું કરવામાં આવ્યું હતું જેથી કોઈને શંકા ન જાય, જ્યારે તેની નીચે ત્રણ માળનું અંડરગ્રાઉન્ડ પાર્કિંગ, મલ્ટિપલ શૂટિંગ રેન્જ અને બે અભેદ્ય શેલ્ટર બનાવવામાં આવ્યા હતા. આ શેલ્ટર્સમાં એક ખાસ બ્લાસ્ટ-પ્રુફ (વિસ્ફોટ-રોધી) રૂમ પણ તૈયાર કરાયો હતો, જેથી કોઈ પણ મોટા મિસાઈલ હુમલાની સ્થિતિમાં અલી ખામેનેઈને ત્યાં સુરક્ષિત રાખી શકાય.













