અમેરિકાના ઉટાહ રાજ્યના વેસ્ટ વેલી સિટીમાં આવેલ વેલી ફેર મોલમાં એક અત્યંત આઘાતજનક અને અમાનવીય ઘટના સામે આવી છે, જેમાં ધર્મના નામે એક નિર્દોષ ભારતીય વ્યક્તિને નિશાન બનાવવામાં આવ્યો છે. સોમવારે બનેલી આ ઘટનામાં પીડિત સોહેલ નામના યુવાન પર 15 વાર છરા વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયો છે. આ હુમલાની પાછળનું કારણ માત્ર ને માત્ર પીડિતનો ધર્મ હોવાનું બહાર આવ્યું છે.

સોહેલ મોલમાં કામ કરી રહ્યો હતો યુવાન

ઘટનાના સાક્ષીઓ અને કોર્ટના દસ્તાવેજો મુજબ, પીડિત સોહેલ મોલમાં આવેલા એક કિઓસ્કમાં કામ કરી રહ્યો હતો. તે સમયે પીટર માઈકલ લાર્સન નામનો 48 વર્ષીય શંકાસ્પદ વ્યક્તિ ત્યાં આવ્યો હતો. હુમલાખોરે પહેલા સોહેલને તેના મૂળ અને ધર્મ વિશે પૂછપરછ કરી હતી. તેણે પૂછ્યું કે તું ક્યાંથી છે? સોહેલે જવાબ આપ્યો કે તે ભારતથી છે. ત્યારબાદ લાર્સને પૂછ્યું કે, "શું તું મુસ્લિમ છે?" જેવો સોહેલે 'હા' માં જવાબ આપ્યો, કે તરત જ આરોપીએ ઉગ્ર બનીને તેના પર છરીથી હુમલો કરી દીધો.

સોહેલને તેના ધર્મને કારણે નિશાન બનાવાયો

હુમલાખોર લાર્સને પોલીસ સમક્ષ પણ સ્વીકાર્યું છે કે તેનો ઈરાદો મુસ્લિમોને મારવાનો હતો અને તેણે ખાસ કરીને સોહેલને તેના ધર્મને કારણે જ નિશાન બનાવ્યો હતો. પોલીસ આ મામલાને 'હેટ ક્રાઈમ' (ધિક્કારજનક હિંસા) તરીકે જોઈ રહી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે આરોપીના ઉગ્રવાદી વિચારો અને સામૂહિક નુકસાન પહોંચાડવાની માનસિકતા સમાજ માટે ગંભીર ખતરો છે. હાલમાં લાર્સન વિરુદ્ધ હત્યાના પ્રયાસ અને પ્રતિબંધિત હથિયાર રાખવા બદલ કેસ નોંધી તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.

આરોપીઓને આસપાસના લોકોએ પકડ્યો

જ્યારે આ હુમલો થયો ત્યારે આસપાસના લોકોએ તાત્કાલિક હિંમત દાખવીને આરોપીને પકડી લીધો હતો અને પોલીસ ન આવે ત્યાં સુધી તેને જમીન પર દબાવી રાખ્યો હતો. સોહેલને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ ઘટનાએ અમેરિકામાં વસતા લઘુમતીઓ અને પ્રવાસીઓની સુરક્ષા અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. ધર્મના આધારે થતી આવી હિંસા સમગ્ર વિશ્વમાં શાંતિ અને ભાઈચારા માટે ચિંતાનો વિષય છે. પોલીસે આ મામલે કડક તપાસ શરૂ કરી છે જેથી પીડિતને ન્યાય મળી શકે.

આ પણ વાંચોઃ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, જુઓ Photo