વિશ્વ જ્યારે ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિની અપેક્ષા રાખી રહ્યું છે, ત્યારે સમુદ્રમાં બનેલી એક મોટી ઘટનાએ ફરી એકવાર યુદ્ધના વાદળો ઘેરા કર્યા છે. યુદ્ધવિરામ અને શાંતિ વાટાઘાટોના પ્રયાસો વચ્ચે, યુએસ સૈન્યએ ઈરાન સાથે જોડાયેલા વધુ એક ઓઈલ ટેન્કર, 'એમ/ટી ટિફાની'ને કબજે કરી લીધું છે. આ કાર્યવાહીને કારણે પશ્ચિમ એશિયા અને દક્ષિણ-પૂર્વ એશિયાના દરિયાઈ વિસ્તારોમાં ભારે તણાવ સર્જાયો છે.

ઇરાનનું વધુ એક જહાજ યુએસના કબજામાં

તાજેતરના અહેવાલો મુજબ, આ કાર્યવાહી ભારત અને દક્ષિણ-પૂર્વ એશિયા વચ્ચે આવેલા બંગાળની ખાડીના વ્યૂહાત્મક વિસ્તારમાં કરવામાં આવી હતી. આ જહાજ બોત્સ્વાનાના ધ્વજ હેઠળ મુસાફરી કરી રહ્યું હતું, જે સામાન્ય રીતે દેખરેખથી બચવા માટેની એક યુક્તિ માનવામાં આવે છે. જહાજનું છેલ્લું લોકેશન શ્રીલંકા અને મલાક્કાની સામુદ્રધુની વચ્ચે નોંધાયું હતું અને તે સિંગાપોર તરફ આગળ વધી રહ્યું હોવાનું મનાય છે. યુએસ નેવીએ ઓચિંતો હુમલો કરી ટેન્કરને અટકાવ્યું હતું. હવે યુએસ પ્રશાસન નક્કી કરશે કે આ જહાજને અમેરિકા લઈ જવું કે અન્ય કોઈ સાથી દેશને સોંપવું.



ઇરાનનો વળતો પ્રહાર

નોંધનીય છે કે યુદ્ધવિરામના ટૂંકા ગાળામાં યુએસ દ્વારા લેવામાં આવેલું આ બીજું મોટું પગલું છે. આ અગાઉ, અમેરિકાએ અખાતી વિસ્તારમાં 'તૌસ્કા' નામના ઈરાની કન્ટેનર જહાજને અટકાવ્યું હતું. તે સમયે યુએસએ એવો દાવો કર્યો હતો કે જહાજે આંતરરાષ્ટ્રીય આદેશોનું ઉલ્લંઘન કર્યું છે.

ઇરાને આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી

બીજી તરફ, ઈરાને અમેરિકાની આ કાર્યવાહીને સખત શબ્દોમાં વખોડી કાઢી છે. તેહરાને આ ઘટનાને આંતરરાષ્ટ્રીય જળસીમામાં "રાજ્ય-પ્રાયોજિત ચાંચિયાગીરી" ગણાવી છે. ઈરાની સત્તાવાળાઓએ ચેતવણી આપી છે કે તેઓ આ અપમાન સહન કરશે નહીં અને યોગ્ય સમયે આનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.
  • Follow us on: