આ કાર્યક્રમમાં લોકોને AK-47 અને રાઈફલનો ઉપયોગ કેવી રીતે કરવો તેની તાલીમ અપાઇ રહી છે.
ઇરાનમાં હથિયાર ચલાવવા માટે તાલીમ
અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષ દરમિયાન ઈરાનમાંથી કેટલાક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ઇરાનના સામાન્ય નાગરિકોને હથિયાર ચલાવવાની તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમમાં માત્ર યુવાનો જ નહીં પરંતુ મહિલાઓ, વૃદ્ધો અને બાળકો પણ ભાગ લઇ રહ્યા છે. ઈરાની સરકારી મીડિયા આ અભિયાનને 'રાષ્ટ્રીય સુરક્ષા માટેની તૈયારી' તરીકે રજૂ કરી રહ્યું છે.
જનતાને એકત્રિત રાખવાનો હેતુ
ઇરાનમાં તાલીમ દરમિયાન યુવતીઓને હથિયાર ખોલવાની અને ફરીથી જોડવાની તાલીમ આપવામાં આવી રહી છે. તો બીજી તરફ, મોટી સંખ્યામાં યુવાનો અને સામાન્ય નાગરિકો ખુલ્લા મેદાનો અને રસ્તાઓ પર નિશાનેબાજીની પ્રેક્ટિસ કરતા દેખાયા હતા. ઈરાની મીડિયાએ આ અભિયાનને 'જાન ફિદા બરાયે ઈરાન' નામ આપ્યું છે. સરકારના જણાવ્યા મુજબ તેનો હેતુ અમેરિકા અને ઈઝરાયેલ સાથે વધી રહેલા તણાવ વચ્ચે લોકોને દેશના સમર્થનમાં એકત્રિત કરવાનો છે.
અગાઉ પણ અપાઇ ચુકી છે તાલીમ
આ પહેલા પણ ઈરાનના સરકારી ટીવીનો વીડિયો ચર્ચામાં આવ્યો હતો. જેમાં સ્ટુડિયોમાં મહિલા એન્કરને AK-47 ચલાવવાની તાલીમ આપવામાં આવી રહી હતી. વીડિયોમાં સૈનિક વેશમાં રહેલો એક ટ્રેનર હથિયારનો ઉપયોગ કેવી રીતે કરવો તેની માહિતી આપતો જોવા મળ્યો હતો. વિશ્લેષકોનું માનવું છે કે અમેરિકા અને ઈઝરાયેલ તરફથી મળતી સતત ચેતવણીઓ અને સંભવિત સૈન્ય કાર્યવાહી વચ્ચે ઈરાન સરકાર સામાન્ય નાગરિકોમાં 'રાષ્ટ્રીય રક્ષણ માટેની તૈયારી'નો માહોલ ઉભો કરવાનો પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચોઃ Premanand Maharajની પદયાત્રા અનિશ્ચિત સમય માટે મુલતવી, જાણો શું છે કારણ?
