પશ્ચિમ એશિયા અને યુરોપમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે વિશ્વના બે શક્તિશાળી નેતાઓ, ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિન વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ છે. યુએસ પ્રમુખ ટ્રમ્પે રશિયન રાષ્ટ્રપતિ પુતિનને ફોન કરીને નવીનતમ આંતરરાષ્ટ્રીય વિકાસ અને ખાસ કરીને ઈરાન તથા યુક્રેનના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરી હતી.


એક કલાકની 'ખુલ્લી' વાતચીત

રશિયન સમાચાર એજન્સી TASS ના અહેવાલ મુજબ, બંને નેતાઓ વચ્ચે લગભગ એક કલાક સુધી વાતચીત ચાલી હતી. આ સંવાદને 'વ્યવહારુ, ખુલ્લો અને રચનાત્મક' ગણાવવામાં આવ્યો છે. ટ્રમ્પે યુક્રેન અને રશિયા વચ્ચેના લાંબા ગાળાના સંઘર્ષનો કાયમી ઉકેલ લાવવા માટે અમેરિકાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. આ વાતચીત મુખ્યત્વે વોશિંગ્ટન, મોસ્કો અને કિવ વચ્ચે ત્રિપક્ષીય વાટાઘાટો શરૂ કરવા પર કેન્દ્રિત હતી.

ઈરાન સંકટ પર પણ કરાયું મંથન

યુક્રેન ઉપરાંત, ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધ અને ત્યાંના નવા નેતૃત્વ અંગે પણ ગંભીર ચર્ચાઓ થઈ હતી. પુતિને ટ્રમ્પને ગયા અઠવાડિયે ઈરાની રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન અને ગલ્ફ દેશોના નેતાઓ સાથે થયેલી તેમની વાતચીતની વિગતો આપી હતી. ટ્રમ્પે પણ આ મુદ્દે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા આ ચર્ચાને 'મહત્વપૂર્ણ' ગણાવી હતી.

મધ્યસ્થી પ્રયાસોની પ્રશંસા

પુતિને ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહેલા મધ્યસ્થીના સતત પ્રયાસો બદલ તેમનો આભાર માન્યો હતો. નોંધનીય છે કે, આ વાતચીત એવા સમયે થઈ છે જ્યારે રશિયાએ ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનીને પોતાનું સમર્થન જાહેર કર્યું છે. ડિસેમ્બર પછી બંને નેતાઓ વચ્ચેની આ પ્રથમ 'સકારાત્મક' વાતચીત વૈશ્વિક તણાવ ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.

આ પણ વાંચોઃ 

  • Follow us on: