વિશ્વમાં વન્યજીવોની તસ્કરીના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે, પરંતુ સામાન્ય રીતે આપણે હાથીદાંત કે વાઘની ચામડી વિશે સાંભળતા હોઈએ છીએ. જોકે, કેન્યામાં બનેલી એક તાજેતરની ઘટનાએ આશ્ચર્ય ફેલાવ્યું છે, જ્યાં હજારો નાની કીડીઓની આંતરરાષ્ટ્રીય બજારમાં લાખો રૂપિયામાં તસ્કરી કરવામાં આવી રહી છે.

શું છે આખો કિસ્સો?

કેન્યાના નૈરોબી એરપોર્ટ પર ઝાંગ કેકુન નામના એક ચીની નાગરિકની ધરપકડ કરવામાં આવી હતી. આ શખ્સ તેની સૂટકેસમાં નાની કેપ્સ્યુલ્સમાં ભરીને ૨,૦૦૦થી વધુ જીવંત 'ક્વીન્સ ગાર્ડન' કીડીઓને ચીન લઈ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ ઘટના બાદ નૈરોબીની કોર્ટે તેને વન્યજીવનની ગેરકાયદેસર તસ્કરીના ગુનામાં એક વર્ષની જેલની સજા અને અંદાજે ૭.૨ લાખ રૂપિયાનો મોટો દંડ ફટકાર્યો છે.

કીડીઓની આટલી ઊંચી કિંમત પાછળનું કારણ

તમને જાણીને નવાઈ લાગશે કે આંતરરાષ્ટ્રીય બજારમાં એક કીડીની કિંમત 20,500 થી 21,000 રૂપિયા સુધીની હોઈ શકે છે. યુરોપ અને એશિયાના દેશોમાં શ્રીમંત કલેક્ટર્સ અને શોખીન લોકો આ કીડીઓને પાળવા અને તેમના સંગ્રહ માટે મોંઘા ભાવે ખરીદે છે. આ જ કારણ છે કે આફ્રિકન દેશોમાંથી આ નાના જીવોની તસ્કરીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે.

કેવી રીતે પકડાઈ આ તસ્કરી?

તપાસ દરમિયાન સામે આવ્યું કે ૧૦ માર્ચના રોજ નૈરોબી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષા તપાસ દરમિયાન ઝાંગની હિલચાલ શંકાસ્પદ જણાઈ હતી. તપાસ કરતા તેની પાસેથી કેપ્સ્યુલ્સમાં પેક કરેલી હજારો કીડીઓ મળી આવી હતી. શરૂઆતમાં ઝાંગે ગુનો સ્વીકારવાની ના પાડી હતી, પરંતુ બાદમાં તેણે કબૂલ્યું હતું કે તેણે ચાર્લ્સ મવાંગી નામના કેન્યાના નાગરિક પાસેથી આ કીડીઓ ખરીદી હતી. તેણે દર ૧૦૦ કીડીઓ દીઠ આશરે ૭,૦૦૦ રૂપિયા ચૂકવ્યા હોવાનું પણ બહાર આવ્યું છે.

કોર્ટનું કડક વલણ

ન્યાયાધીશ ઇરેન ગિચોબીએ ચુકાદો આપતા નોંધ્યું હતું કે આરોપીએ પોતાના કૃત્ય બદલ કોઈ પસ્તાવો વ્યક્ત કર્યો નથી અને તે તપાસમાં સંપૂર્ણ પ્રામાણિક રહ્યો નથી. કેન્યાના અધિકારીઓએ પણ ચેતવણી આપી છે કે વન્યજીવનના રક્ષણ માટે આવા કિસ્સાઓમાં કડક કાર્યવાહી જરૂરી છે, કારણ કે આ નાના જીવો ઇકોસિસ્ટમનો મહત્વનો ભાગ છે અને તેમની તસ્કરીથી પર્યાવરણને મોટું નુકસાન પહોંચી શકે છે.

આ પણ વાંચોઃ પાકમાં ગરીબી સામે જંગ, કુનાર નદીમાં સોનાની શોધ માટે તૂટી પડ્યા અફઘાનીઓ