આંદામાન સમુદ્રમાં એક અત્યંત કરુણ ઘટનામાં રોહિંગ્યા શરણાર્થીઓ અને બાંગ્લાદેશી નાગરિકોને લઈ જતી એક હોડી પલટી જતાં અંદાજે 250 લોકો ગુમ થયા છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) એ આ દુર્ઘટનાની પુષ્ટિ કરતા ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. આ ઘટના ફરી એકવાર શરણાર્થીઓની દયનીય સ્થિતિ અને સુરક્ષિત આશ્રય માટેના તેમના જોખમી પ્રયાસોને ઉજાગર કરે છે.

280 મુસાફરોને લઇ જઇ રહી હતી બોટ

સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી હાઈ કમિશનર (UNHCR) ના જણાવ્યા અનુસાર, આ હોડી દક્ષિણ બાંગ્લાદેશના ટેકનાફ વિસ્તારમાંથી અંદાજે 280 મુસાફરોને લઈને મલેશિયા જવા રવાના થઈ હતી. ક્ષમતા કરતા વધુ ભીડ, દરિયામાં ફૂંકાયેલા જોરદાર પવન અને ઉછળતા મોજાઓને કારણે હોડી સંતુલન ગુમાવી બેઠી અને પલટી ગઈ હતી. ગુમ થયેલા લોકોમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને માસૂમ બાળકોનો સમાવેશ થાય છે.

બચી ગયેલા લોકોએ જણાવી આપવીતી

સદનસીબે, બાંગ્લાદેશ કોસ્ટ ગાર્ડ (BCG) અને એક વ્યાપારી જહાજ 'MT મેઘના પ્રાઈડ' ની સતર્કતાને કારણે નવ લોકોને જીવતા બચાવી શકાયા છે. આ બચી ગયેલા લોકોમાં ૪૦ વર્ષીય રફીકુલ ઇસ્લામનો સમાવેશ થાય છે, જેમણે પોતાની આપવીતી જણાવતા કહ્યું કે માનવ તસ્કર (દાણચોરો) એ તેમને મલેશિયામાં સારી નોકરીની લાલચ આપી હતી. હોડી પલટી ગયા બાદ રફીકુલ અને અન્ય લોકો આશરે ૩૬ કલાક સુધી દરિયાના ખારા પાણીમાં જીવ બચાવવા તરતા રહ્યા હતા.

UNHCR ની પ્રતિક્રિયા

UNHCR એ આ ઘટનાને રોહિંગ્યાઓના લાંબા ગાળાના વિસ્થાપનનું ભયંકર પરિણામ ગણાવ્યું છે. એજન્સીએ ભારપૂર્વક કહ્યું છે કે મ્યાનમારના રાખાઈન રાજ્યમાંથી વિસ્થાપિત થયેલા10 લાખથી વધુ રોહિંગ્યાઓ બાંગ્લાદેશના કોક્સ બજાર કેમ્પમાં અત્યંત દયનીય સ્થિતિમાં રહી રહ્યા છે. જ્યાં સુધી તેમના પુનઃવસનનો કાયમી ઉકેલ નહીં આવે, ત્યાં સુધી શરણાર્થીઓ આવા જોખમી દરિયાઈ પ્રવાસો ખેડતા રહેશે.