પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં હુમલાખોરોએ ગુરુવારે મોડી રાત્રે એક ચાલતી બસ રોકી અને 9 મુસાફરોનું અપહરણ કર્યું. ત્યાર બાદ તેમની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. આ ઘટના ઉત્તર બલૂચિસ્તાનના સર ધક્કા વિસ્તારમાં ઝોબ નજીક બની હતી જે લાંબા સમયથી આતંકવાદી પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહ્યું છે.
પંજાબ પ્રાંતના 9 પુરુષ મુસાફરોનું અપહરણ
બલુચિસ્તાનમાં એક ભયાનક આતંકવાદી ઘટના બનતા ચકચાર મચી જવો પામ્યો છે. કાલેટાથી લાહોર જઈ રહેલી એક પેસેન્જર બસને N-40 રૂટ પર સશસ્ત્ર હુમલાખોરોએ રોકી હતી. બંદૂકધારીઓએ બસમાં મુસાફરોના ઓળખપત્રો તપાસ્યા અને પંજાબ પ્રાંતના 9 પુરુષ મુસાફરોનું અપહરણ કર્યું બાદમાં તેમની હત્યા કરવામાં આવી હતી. અપહરણ કરાયેલા મોટાભાગના મુસાફરો મંડી બહાઉદ્દીન, ગુજરાંવાલા અને વઝીરાબાદના રહેવાસી હોવાનું કહેવાય છે. તેમના અપહરણના એકથી દોઢ કલાકની અંદર તેમના મૃતદેહ નજીકના પહાડી વિસ્તારમાં પુલ નીચે મળી આવ્યા હતા. તે બધાને નજીકથી ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
પાકિસ્તાન સરકારે આતંકવાદી હુમલો ગણાવ્યો
સ્થાનિક ડેપ્યુટી કમિશનર હબીબુલ્લાહ મુસાખેલના કહ્યું હતું કે, હુમલાખોરોની સંખ્યા લગભગ 10થી 12 હતી. તેઓએ સુરક્ષા દળો પર રોકેટ-સંચાલિત ગ્રેનેડ (RPG) અને સ્વચાલિત હથિયારોથી પણ હુમલો કર્યો અને ભાગી છૂટ્યા હતા. સુરક્ષા દળોએ પીછો શરૂ કર્યો પરંતુ હુમલાખોરો હાથમાં આવ્યા નહોતા અને તેઓ હજુ પણ ફરાર છે. પાકિસ્તાન સરકાર અને બલુચિસ્તાન પ્રશાસને તેને સુનિયોજિત આતંકવાદી હુમલો ગણાવ્યો છે. વડા પ્રધાન શાહબાઝ શરીફે મૃતકોના પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. સાથે જ ગુનેગારોને બને એટલા જલ્દીથી પકડીને કડક સજા આપવાનું વચન આપ્યું છે.
સરકારે કહ્યું ભારત સમર્થિત હુમલો
બલુચિસ્તાનની પ્રાંતીય સરકાર તેને ભારત સમર્થિત હુમલો ગણાવી રહી છે. સરકારે કહ્યું છે કે આ હુમલા પાછળ ફિત્ના અલ-હિન્દુસ્તાનનો હાથ છે. મે મહિનામાં પાકિસ્તાન સરકારે બલુચિસ્તાનના તમામ બળવાખોર સંગઠનોનું નામ ફિત્ના-અલ-હિન્દુસ્તાન રાખ્યું હતું. આમાં બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA) સૌથી મોટું અને સૌથી અગ્રણી સંગઠન છે.