અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ જાહેરાત કરી છે કે US સરકારની તમામ ફેડરલ એજન્સીઓ તાત્કાલિક અસરથી એન્થ્રોપિક કંપનીની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજીનો ઉપયોગ બંધ કરશે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Truth Social પર આ નિર્ણય જાહેર કર્યો અને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે “અમને તેમની જરૂર નથી અને અમે ફરી ક્યારેય તેમની સાથે વ્યવસાય નહીં કરીએ.”
નિર્ણય પાછળનું મુખ્ય કારણ શું?
આ વિવાદની શરૂઆત અમેરિકાના સંરક્ષણ વિભાગ United States Department of Defense (પેન્ટાગોન) અને એન્થ્રોપિક વચ્ચે AI સલામતી ધોરણોને લઈને થયેલી અથડામણથી થઈ. પેન્ટાગોન ઇચ્છતું હતું કે એન્થ્રોપિકનો ક્લાઉડ આધારિત ચેટબોટ વધુ વ્યાપક અને અનિયંત્રિત રીતે ઉપયોગમાં લેવાય.
mass surveillance
પરંતુ એન્થ્રોપિકે સામૂહિક દેખરેખ (mass surveillance) અને સ્વાયત્ત શસ્ત્ર પ્રણાલીઓ (autonomous weapons) માટે AI ના ઉપયોગ પર મર્યાદા મૂકવાની માગણી કરી. કંપનીનું માનવું હતું કે AIનો ઉપયોગ માનવ અધિકારો અને સુરક્ષા ધોરણો સાથે સંતુલિત હોવો જોઈએ.
પેન્ટાગોનનું કડક વલણ
ટ્રમ્પના આદેશ પછી પેન્ટાગોને એન્થ્રોપિકને “સપ્લાય-ચેઇન રિસ્ક” તરીકે જાહેર કર્યું. સંરક્ષણ સચિવ Pete Hegseth એ કોન્ટ્રાક્ટરોને એન્થ્રોપિક સાથે કોઈપણ નવા વ્યવસાયિક સોદા ન કરવા જણાવ્યું. વધુમાં, તેમને 6 મહિનામાં AI સેવાઓ અન્ય પ્રદાતા પાસે સ્થાનાંતરિત કરવાની સમયમર્યાદા પણ આપવામાં આવી છે. હેગસેથે કહ્યું કે અમેરિકાના સૈનિકો “બિગ ટેક” કંપનીઓની વિચારસરણીના બંધક બની શકતા નથી. આ નિવેદનથી સરકાર અને ટેક્નોલોજી કંપનીઓ વચ્ચેનો તણાવ વધુ સ્પષ્ટ થયો છે.
કોને ફાયદો થશે?
આ નિર્ણયથી AI ક્ષેત્રમાં સ્પર્ધા વધુ તેજ બનશે. ખાસ કરીને Grok, જે Elon Musk ની કંપની xAI દ્વારા વિકસાવવામાં આવ્યું છે, તેને ફાયદો થઈ શકે છે. માહિતી મુજબ, પેન્ટાગોન ગ્રોકને વર્ગીકૃત લશ્કરી નેટવર્ક્સ સુધી પહોંચ આપવાની યોજના બનાવી રહ્યું છે. તે ઉપરાંત Google અને OpenAI જેવી મોટી AI કંપનીઓ માટે પણ આ એક ચેતવણી સમાન છે. આ કંપનીઓ પાસે સૈન્ય સાથે કરાર છે, તેથી સરકાર AI સલામતી અને નીતિ અંગે વધુ કડક વલણ અપનાવી શકે છે.
https://twitter.com/PeteHegseth/status/2027487514395832410
આગળ શું?
એન્થ્રોપિકે પેન્ટાગોનના નિર્ણયને કોર્ટમાં પડકારવાનો નિર્ણય લીધો છે. એટલે આવનારા સમયમાં આ મામલો કાનૂની લડાઈમાં ફેરવાઈ શકે છે. આ સમગ્ર ઘટના બતાવે છે કે AI ટેક્નોલોજી માત્ર ટેક્નોલોજીનો મુદ્દો નથી, પરંતુ તે રાષ્ટ્રીય સુરક્ષા, રાજકીય નીતિ અને નૈતિક જવાબદારી સાથે જોડાયેલો વિષય છે. ટ્રમ્પનો આ નિર્ણય અમેરિકામાં AI ઉદ્યોગ માટે નવા નિયમો અને નીતિઓ લાવી શકે છે. હવે જોવાનું એ છે કે સરકાર અને ટેક્નોલોજી કંપનીઓ વચ્ચે સંતુલન કેવી રીતે જળવાઈ રહેશે.
આ પણ વાંચો : Pakistan Afghanistan conflict : પાકિસ્તાન માટે અફઘાનિસ્તાન કેમ બન્યું મોટું જોખમ?