અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશા પોતાના નિવેદનો અને સોશિયલ મીડિયા પોસ્ટ્સને લઈને ચર્ચામાં રહે છે. આ વખતે તેમણે એક એવી પોસ્ટ શેર કરી છે, જેના કારણે યુરોપિયન દેશોમાં ચિંતા અને ગુસ્સો બંને જોવા મળી રહ્યા છે. ટ્રમ્પે પોતાના ટ્વિટર અને ટ્રુથ સોશિયલ એકાઉન્ટ પર એક AIથી બનાવેલી તસવીર શેર કરી હતી, જેમાં ગ્રીનલેન્ડ, કેનેડા અને વેનેઝુએલાને અમેરિકાના પ્રદેશ તરીકે દર્શાવવામાં આવ્યા છે.
કેનેડા અને ગ્રીનલેન્ડને અમેરિકાના ધ્વજ
આ તસવીરમાં કેનેડા અને ગ્રીનલેન્ડને અમેરિકાના ધ્વજના લાલ, સફેદ અને વાદળી રંગોમાં બતાવવામાં આવ્યા હતા. કોઈ કૅપ્શન વગરની આ પોસ્ટને લઈને અનેક અર્થઘટન કરવામાં આવ્યા. ઘણા નિષ્ણાતો અને રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ ટ્રમ્પનો ગ્રીનલેન્ડને અમેરિકા સાથે જોડવાનો ફરી એક પ્રયાસ છે.
ગ્રીનલેન્ડ અમેરિકાની સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ
ટ્રમ્પ અગાઉ પણ ઘણી વખત જાહેરમાં કહી ચૂક્યા છે કે ગ્રીનલેન્ડ અમેરિકાની સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તેમના જણાવ્યા પ્રમાણે આર્કટિક વિસ્તારમાં રશિયા અને ચીનનો પ્રભાવ વધી રહ્યો છે, અને તેને રોકવા માટે ગ્રીનલેન્ડ પર અમેરિકાનો નિયંત્રણ જરૂરી છે. ટ્રમ્પનું માનવું છે કે ડેનમાર્ક ગ્રીનલેન્ડનું યોગ્ય રીતે રક્ષણ કરી શકતું નથી.
AI-જનરેટેડ તસવીર
આ વિવાદ અહીં અટક્યો નહીં. ટ્રમ્પે ત્યારબાદ ટ્રુથ સોશિયલ પર બીજી એક AI-જનરેટેડ તસવીર શેર કરી, જેમાં તેઓ જે.ડી. વાન્સ અને માર્કો રુબિયો સાથે ગ્રીનલેન્ડ પર અમેરિકાનો ધ્વજ લગાવતા જોવા મળે છે. આ તસવીરે યુરોપિયન દેશોમાં વધુ અસંતોષ ફેલાવ્યો. ફ્રાન્સ સહિત ઘણા યુરોપિયન દેશોએ અમેરિકાના આવા દાવાઓનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે. તેમને લાગે છે કે કોઈ પણ દેશની સંપ્રભુતા સાથે આ રીતે રમવું આંતરરાષ્ટ્રીય નિયમો વિરુદ્ધ છે. નવા નકશાના પ્રકાશન બાદ યુરોપ અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં તણાવ વધ્યો છે.
એક ખાનગી વાતચીત
આ દરમિયાન ટ્રમ્પે ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથેની એક ખાનગી વાતચીત પણ જાહેર કરી. આ ચેટમાં મેક્રોન ટ્રમ્પને ગ્રીનલેન્ડ મુદ્દે પોતાનું વલણ બદલવા વિનંતી કરતા દેખાય છે. મેક્રોએ લખ્યું હતું કે તેઓ સીરિયા અને ઈરાન જેવા મુદ્દાઓ પર એકમત છે, પરંતુ ગ્રીનલેન્ડ અંગે ટ્રમ્પના પગલાં તેમને સમજાતા નથી. ફ્રેન્ચ રાષ્ટ્રપતિના કાર્યાલયે સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી, પરંતુ નજીકના સૂત્રોએ આ વાતચીત સાચી હોવાનું માન્ય રાખ્યું છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે સોશિયલ મીડિયા અને AI ટેક્નોલોજી આજના સમયમાં રાજકારણમાં કેટલો મોટો પ્રભાવ પાડી શકે છે.
આ પણ વાંચો : લાલ ટોપી બની વિરોધનું હથિયાર, Trumpની ગ્રીનલેન્ડ યોજના સામે લોકો રસ્તા પર