પાકિસ્તાનના સેના પ્રમુખ ફીલ્ડ માર્શલ અસીર મુનીરની ઈરાન મુલાકાત અંગે ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બઘાઈએ રવિવારે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે મુનીર સાથે એક પ્રતિનિધિમંડળ પણ ઈરાન જશે, જે ઈરાનના નેતાઓ સાથે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે. મુનીરની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે પાકિસ્તાન અમેરિકા અને ઈરાન વચ્ચે અટકી ગયેલી શાંતિ વાટાઘાટોને ફરી શરૂ કરાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

પાકિસ્તાને અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીતમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી. જૂનમાં બંને દેશો વચ્ચે એક સમજૂતી થઈ હતી, જેમાં પાકિસ્તાન પણ સામેલ હતું. આ સમજૂતી હેઠળ અમેરિકા અને ઈરાન વચ્ચે ઉચ્ચસ્તરીય વાટાઘાટો માટે 60 દિવસનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. જોકે, જુલાઈના મધ્યમાં બંને દેશો વચ્ચે ફરી તણાવ વધ્યો અને વાતચીત અટકી ગઈ હતી. એ પછી પાકિસ્તાન દ્વારા વાટાઘાટો ફરી શરૂ કરાવવાના પ્રયાસો થયા પણ અત્યાર સુધી તે સફળ રહ્યા નથી.

કયા મુદ્દા પર થઇ શકે ચર્ચા?

ઈરાનના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, મુનીરની મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ ઈરાન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાનો તેમજ શાંતિ અને સુરક્ષા માટે પાકિસ્તાનના પ્રયાસોને આગળ વધારવાનો છે. પાકિસ્તાનના અધિકારીઓના જણાવ્યા મુજબ, મુનીર ઈરાનના નેતાઓ સાથે શાંતિ સ્થાપવાના પ્રયાસો, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલી આર્થિક પ્રતિબંધોની ચેતવણી અને યુદ્ધની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરશે. પાકિસ્તાન-તુર્કી-સાઉદી અરેબિયા કરાર અને હૂતી સાથે જોડાયેલા મુદ્દાઓ પણ આ બેઠકમાં સામેલ થઈ શકે છે.

હાલ અમેરિકા ઈરાન પર નવા અને અત્યંત કડક આર્થિક પ્રતિબંધો લાદવાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકી અધિકારીઓએ આ પ્રતિબંધોને ઇતિહાસના સૌથી કડક પ્રતિબંધો ગણાવ્યા છે. ટ્રમ્પે એવી પણ ચેતવણી આપી છે કે ઈરાનને કોઈપણ પ્રકારની મદદ કરનારા દેશો સામે પણ આર્થિક કાર્યવાહી થઈ શકે છે. 20 ઓગસ્ટે ટ્રમ્પે કહ્યું હતું કે જો ઈરાન કોઈ સમજૂતી માટે તૈયાર નહીં થાય તો અમેરિકા તેની સામે અત્યાર સુધીનું સૌથી કડક આર્થિક અભિયાન ચલાવશે.

ઈરાનની અર્થવ્યવસ્થા પર પહેલેથી જ દબાણ

ઈરાનની અર્થવ્યવસ્થા પહેલેથી જ અમેરિકી પ્રતિબંધોના દબાણ હેઠળ છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં તેલની અવરજવર લગભગ અટકી ગઈ છે. ઈરાને ચેતવણી આપી છે કે તેની મંજૂરી વિના આ માર્ગ પરથી પસાર જે ઓઈલ ટેન્કરો પસાર થશે તો તેના પર હુમલો પણ કરવામાં આવી શકે છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાને રવિવારે જૂનમાં થયેલી સમજૂતીને 'ન યુદ્ધ, ન શાંતિ' જેવી સ્થિતિમાંથી બહાર આવવાનો શ્રેષ્ઠ માર્ગ ગણાવ્યો હતો.

બીજી તરફ, ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના નવા પ્રમુખ મોહસિન રઝાઈએ પાડોશી દેશોને અમેરિકાના ઈરાનને આર્થિક નુકસાન પહોંચાડવાના પ્રયાસોમાં સામેલ ન થવાની ચેતવણી આપી હતી. આ મહિનાની શરૂઆતમાં પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવી પણ તેહરાન ગયા હતા. તેમણે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાન અને વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી સાથે મુલાકાત કરી હતી.

પાકિસ્તાને હજુ સુધી અસીર મુનીરની ઈરાન મુલાકાત અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. જોકે, આ મુલાકાતને અટકી ગયેલી અમેરિકા-ઈરાન વાટાઘાટોને ફરી શરૂ કરાવવાના પાકિસ્તાનના પ્રયાસના આગામી મહત્વપૂર્ણ પગલા તરીકે જોવામાં આવી રહી છે.