વૈશ્વિક વેપાર માટે સૌથી મહત્વપૂર્ણ ગણાતી હોર્મુઝની ખાડી (Strait of Hormuz) માં ફરી એકવાર ભારે તણાવ સર્જાયો છે. અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર, સોમવારે રાત્રે ઈરાનની સેનાએ આ દરિયાઈ માર્ગ પરથી પસાર થઈ રહેલા બે કોમર્શિયલ જહાજો પર આડેધડ મિસાઈલો દાગી છે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે હુમલા રોકવા માટે થયેલી એક સપ્તાહની અસ્થાયી સમજૂતી પૂરી થઈ ચૂકી છે. આ ઘટના બાદ પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ફરી એકવાર મોટા લશ્કરી સંઘર્ષના એંધાણ વર્તાઈ રહ્યા છે.
કરાર પૂરો થતાં જ ઈરાન આક્રમક
અમેરિકી સંરક્ષણ વિભાગના અધિકારીઓએ ચિંતા વ્યક્ત કરી છે કે આ તાજા હુમલાથી આશરે ત્રણ અઠવાડિયા પહેલા અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા '14-પોઇન્ટ મોમેોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ' (MoU) પર જોખમ ઊભું થયું છે. બ્રિટનની મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ (UKMTO) ના અહેવાલ મુજબ, ઓમાનના દરિયાકાંઠા નજીક દક્ષિણ તરફ જઈ રહેલા એક તેલ ટેન્કર પર અજ્ઞાત મિસાઈલથી હુમલો કરાયો હતો, જેના કારણે જહાજમાં ભીષણ આગ લાગી ગઈ હતી. આ સિવાય અન્ય એક વેપારી જહાજને પણ ઈરાની મિસાઈલે નિશાન બનાવ્યું હતું. જોકે, રાહતના સમાચાર એ છે કે બંને જહાજોના ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે અને કોઈ જાનહાનિ થઈ નથી.
