કેનેડા જઈને અભ્યાસ કરવાનું સપનું જોનારા અને ત્યાં સ્થાયી થયેલા હજારો ભારતીય વિદ્યાર્થીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કેનેડિયન ઇમિગ્રેશન વિભાગે (IRCC) અચાનક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે સ્ક્રીનીંગ પ્રક્રિયા અત્યંત કડક બનાવી દીધી છે. સરકાર દ્વારા સેંકડો વિદ્યાર્થીઓને નોટિસ પાઠવવામાં આવી છે, જેમાં તેમને તેમની શૈક્ષણિક વિગતો અને સ્ટડી પરમિટની યોગ્યતા સાબિત કરવા માટે માત્ર 21 દિવસની સમયમર્યાદા આપવામાં આવી છે. જો વિદ્યાર્થીઓ આ સમયગાળામાં જરૂરી દસ્તાવેજો રજૂ કરવામાં નિષ્ફળ જશે, તો તેમનો ટેમ્પરરી રેસિડેન્ટ સ્ટેટસ (કામચલાઉ નિવાસી દરજ્જો) રદ થઈ શકે છે અને તેમને દેશ છોડવો પડી શકે છે.

શા માટે લેવાયો આ નિર્ણય?

આ આદેશ પાછળનું મુખ્ય કારણ કેનેડાના ઓડિટર જનરલ કરેન હોગનનો તાજેતરનો અહેવાલ છે. આ અહેવાલમાં 'ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ પ્રોગ્રામ' માં ચાલી રહેલી વ્યાપક ગેરરીતિઓ અને દસ્તાવેજોમાં થતી છેતરપિંડી અંગે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. કેનેડાની સંસદમાં પણ આ મુદ્દે ચર્ચા થઈ હતી કે ઘણા વિદ્યાર્થીઓ નકલી દસ્તાવેજો અથવા ખોટી માહિતીના આધારે સ્ટડી પરમિટ મેળવી રહ્યા છે. આ કાર્યક્રમની વિશ્વસનીયતા જાળવી રાખવા માટે સરકારે હવે આકરાં પગલાં ભરવાનું શરૂ કર્યું છે.

કયા દસ્તાવેજોની માંગ કરવામાં આવી છે?

IRCC દ્વારા મોકલવામાં આવેલી નોટિસમાં વિદ્યાર્થીઓ પાસે તેમની શૈક્ષણિક સંસ્થા (DLI) તરફથી મળેલો સત્તાવાર 'નોંધણી સ્થિતિ' (Enrollment Status) નો પત્ર માંગવામાં આવ્યો છે. આ ઉપરાંત, જે તે સંસ્થામાં અત્યાર સુધી કરેલા અભ્યાસના ટ્રાન્સક્રિપ્ટ્સ અને અગાઉના શૈક્ષણિક રેકોર્ડ્સ પણ સબમિટ કરવાના રહેશે. આ તપાસનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે વિદ્યાર્થી ખરેખર કેનેડામાં અભ્યાસ કરી રહ્યો છે અને નિયમોનું પાલન કરે છે.

વિદ્યાર્થીઓ અને નિષ્ણાતોમાં ચિંતા

આ અચાનક આવેલા આદેશથી ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓમાં ગભરાટ ફેલાયો છે. ઘણા કિસ્સાઓમાં, વિદ્યાર્થીઓ અભ્યાસ પૂરો કરી ચૂક્યા છે અથવા વર્ક પરમિટની પ્રક્રિયામાં છે. મિસિસૌગાના ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ્સનું માનવું છે કે આ પગલું આવકાર્ય છે પરંતુ ઘણું મોડું લેવાયું છે. તેમનું કહેવું છે કે અગાઉ ઘણી કોલેજો અને એજન્ટોની મિલીભગતથી બનાવટી દસ્તાવેજોના આધારે એન્ટ્રી મેળવવામાં આવી હતી, જેના કારણે હવે જેન્યુઈન (સાચા) વિદ્યાર્થીઓએ પણ હેરાન થવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચોઃ Trump ના હોર્મુઝ અલ્ટીમેટમ વચ્ચે તેહરાનમાં ભીષણ હુમલા, બેહરીને નાગરિકો માટે જાહેર કરી એડવાયઝરી