પાકિસ્તાનનનું બલૂચિસ્તાન પ્રાંત હાલમાં ભીષણ હિંસા અને અસ્થિરતાના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં 'બલૂચ લિબરેશન આર્મી' (BLA) અને પાકિસ્તાની સુરક્ષા દળો વચ્ચે થયેલી અથડામણમાં અંદાજે 145 જેટલા વિદ્રોહીઓ માર્યા ગયા છે. ક્વેટા, ગ્વાદર અને મસ્તુંગ જેવા જિલ્લાઓમાં સ્થિતિ એટલી ગંભીર છે કે ઈન્ટરનેટ અને પરિવહન સેવાઓ ઠપ્પ કરી દેવામાં આવી છે. પરંતુ, જે ધરતી આજે બંદૂકોના અવાજથી ધ્રૂજી રહી છે, તેનો ઈતિહાસ અત્યંત સમૃદ્ધ અને શાંતિપૂર્ણ રહ્યો છે.
પ્રાચીન હિંદુ સંસ્કૃતિનું કેન્દ્ર
આધુનિક ઇસ્લામી ઓળખ ધરાવતું બલૂચિસ્તાન સદીઓ પહેલા હિંદુ, બૌદ્ધ અને પારસી સંસ્કૃતિઓનું મજબૂત ગઢ હતું. ઈતિહાસના પાના ઉથલાવીએ તો જાણવા મળે છે કે 7મી સદીમાં આરબ આક્રમણો પહેલાં અહીં ક્ષત્રિય રાજવંશોનું શાસન હતું. આજે પણ અહીં આવેલું હિંગલાજ માતાનું મંદિર (શક્તિપીઠ) તે સમયના હિંદુ સામ્રાજ્યના પ્રભાવનો જીવંત પુરાવો છે. માન્યતા છે કે અહીં દેવી સતીનું 'બ્રહ્મરંધ્ર' પડ્યું હતું. દુર્ગમ પર્વતોમાં હોવાને કારણે આ મંદિર અનેક આક્રમણો છતાં આજે પણ સુરક્ષિત છે.
પરિવર્તનનો કાળ
પરિવર્તનનો કાળ સાતમી સદી પછી આ વિસ્તારનું ધાર્મિક અને સામાજિક માળખું ઝડપથી બદલાયું. ઈસ્લામના પ્રસાર સાથે પ્રાચીન પરંપરાઓ વિલુપ્ત થતી ગઈ. જે પ્રદેશ ક્યારેય વેપાર અને સંસ્કૃતિનું કેન્દ્ર હતો, તે આજે પાકિસ્તાન સરકાર અને અલગાવવાદીઓ વચ્ચેની લડાઈમાં જંગનું મેદાન બની ગયો છે.
આર્થિક પછાતપણું અને સૈન્ય દમન સામે ઝઝૂમી રહી છે
બલૂચિસ્તાનની જનતા આજે આર્થિક પછાતપણું અને સૈન્ય દમન સામે ઝઝૂમી રહી છે. એક તરફ હજારો વર્ષ જૂની હિંગલાજ શક્તિપીઠ આસ્થાનું પ્રતીક બનીને ઊભી છે, તો બીજી તરફ દરરોજ વહેતું રક્ત આ પ્રદેશની કરૂણતા દર્શાવે છે. બલૂચિસ્તાનનો ઇતિહાસ સમૃદ્ધિની વાત કરે છે, જ્યારે તેનું વર્તમાન માત્ર વિનાશની કહાની લખી રહ્યું છે.
