પાકિસ્તાનના અશાંત પ્રાંત બલૂચિસ્તાનમાંથી એક ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બલૂચિસ્તાનની આઝાદી માટે લડતા સંગઠન બલૂચ લિબરેશન આર્મી (BLA) એ પાકિસ્તાની સેના પર અત્યાર સુધીનો સૌથી મોટો અને ઘાતક હુમલો કર્યો હોવાનો દાવો કર્યો છે. સંગઠનના જણાવ્યા અનુસાર, બલૂચિસ્તાનના મસ્તુંગ જિલ્લામાં પાકિસ્તાની સુરક્ષા દળોના કાફલાને નિશાન બનાવીને કરવામાં આવેલા આ ભીષણ હુમલામાં 45થી વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે, જ્યારે ડઝનબંધ સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
પાકિસ્તાની સેના પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો
મળતી માહિતી મુજબ, આ ઘટના મસ્તુંગ જિલ્લાના ખડકોચા વિસ્તારમાં બની હતી. BLA ના પ્રવક્તા જીયંદ બલોચે આ હુમલા અંગે એક સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. તેમણે જણાવ્યું કે આ ઓપરેશનને સંગઠનની ખાસ કમાન્ડો વિંગ "ફતહ સ્ક્વાડ" દ્વારા અંજામ આપવામાં આવ્યો હતો. BLA ના સભ્યોએ પાકિસ્તાની સૈનિકોને લઈ જઈ રહેલી બસો અને તેમની સુરક્ષામાં તહેનાત એસ્કોર્ટ વાહનો પર ઓચિંતો હુમલો કર્યો હતો. આટલું જ નહીં, પ્રાથમિક હુમલા બાદ જ્યારે ઘટનાસ્થળે વધારાની સૈન્ય ટુકડીઓ (રીઇન્ફોર્સમેન્ટ) પહોંચી, ત્યારે તેમને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા.રિપોર્ટ્સ અનુસાર, આ હુમલા બાદ બન્ને પક્ષો વચ્ચે કલાકો સુધી ભારે ગોળીબાર અને સામસામે મુઠભેડ ચાલી હતી. BLA એ દાવો કર્યો છે કે ભીષણ લડાઈના કારણે પાકિસ્તાની સેનાને ભારે નુકસાન થયું છે અને મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. સંગઠને એમ પણ ઉમેર્યું છે કે તેઓ ટૂંક સમયમાં જ આ આખા સૈન્ય ઓપરેશનની વિગતવાર વ્યૂહરચના, પાકિસ્તાની સેનાના સૈનિકોના મોતના પુરાવા અને કબ્જે કરાયેલા સૈન્ય હથિયારોનો વીડિયો અને વિગતો જાહેર કરશે.
