બાંગ્લાદેશના કોક્સ બજાર જિલ્લામાં આવેલા એક દરિયાકિનારાના રિસોર્ટમાં આગ લાગી હતી. આ ઘટનામાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે અને અન્ય 9 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઉખિયા પોલીસ સ્ટેશનના વડા મોહમ્મદ અતિકુર રહેમાન મજુમદારે જણાવ્યું હતું કે, શનિવારે સવારે લગભગ 6:30 વાગ્યે કોક્સ બજારના ઇનાની સ્થિત 'ટુપટુપ રેસ્ટો એન્ડ રિસોર્ટ' (TupTup Resto & Resort) માં આગ લાગી હતી. મરીન ડ્રાઇવની નજીક અને પતુઆરટેક બીચ પાસે આવેલા આ રિસોર્ટમાં આગ લાગ્યાના કેટલાક કલાકો બાદ, બપોરે લગભગ 1:30 વાગ્યે ફાયર સર્વિસના પ્રવક્તા તલ્હા બિન જાસિમે પુષ્ટિ કરી હતી કે આ દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા છે અને 9 લોકો ઘાયલ થયા છે.


ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાયા

એક અહેવાલ મુજબ, ઘાયલ થયેલા નવ લોકોને કોક્સ બજાર સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના રેસિડેન્ટ મેડિકલ ઓફિસર સબુકતગીન મહમુદ સોહેલે જણાવ્યું હતું કે, ઘાયલોમાંથી પાંચ વ્યક્તિઓનું શરીર લગભગ ૫ ટકા જેટલું દાઝી ગયું છે. તેમણે કહ્યું, "એક અન્ય વ્યક્તિ પડી જવાથી ઘાયલ થઈ હતી, જેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ રજા આપી દેવામાં આવી છે. દાઝી ગયેલા પાંચ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે."

https://x.com/lamiah02022002/status/2111372374432235529?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2111372374432235529%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

વાંસ અને લાકડામાંથી બનેલું ત્રણ માળનું રિસોર્ટ

મુખ્યત્વે વાંસ અને લાકડામાંથી બનેલું આ ત્રણ માળનું રિસોર્ટ કોલાટોલીથી લગભગ 29 કિલોમીટર દૂર, બીચ ટાઉનના પ્રવેશદ્વાર પાસે આવેલું છે. મળતી માહિતી અનુસાર જ્યારે આગ લાગી ત્યારે રિસોર્ટમાં લગભગ 30 લોકો હાજર હતા. ચારથી પાંચ વ્યક્તિઓ ત્યાંથી બહાર નીકળવામાં સફળ રહી હતી, પરંતુ અન્ય લોકો ક્યાં છે અથવા તેમની સ્થિતિ શું છે તે અંગે હાલ કોઈ માહિતી નથી. આગ લાગવાના કારણની તપાસ ચાલી રહી છે.


કોક્સ બજાર ફાયર સર્વિસના ડેપ્યુટી આસિસ્ટન્ટ ડાયરેક્ટર સૈયદ મુહમ્મદ મોર્શેદ હુસૈને જણાવ્યું હતું કે, આગને કારણે આખી ઈમારત બળીને ખાખ થઈ ગઈ છે. કોક્સ બજારના ડેપ્યુટી કમિશનર એ. મન્નાને કહ્યું કે, મૃતદેહોને તેમના પરિવારોને સોંપતા પહેલા તેમાંથી DNA નમૂના લેવામાં આવશે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મન્નાને જણાવ્યું કે ફાયર સર્વિસ આ ઘટનાની તપાસ કરી રહી છે. તેમણે જણાવ્યું કે કેટલાકને શંકા છે કે આગ કદાચ રિસોર્ટના રસોડામાંથી શરૂ થઈ હશે; જોકે, તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેનું વાસ્તવિક કારણ જાણી શકાશે નહીં.


આ પણ વાંચો; India: 'ભારત-વિરોધી ગેંગ' કોણ છે', કિરેન રિજિજુએ કંઈક આવી રીતે કરી દીધા ઓવૈસીના વખાણ