બાંગ્લાદેશના કોમિલા શહેરમાં શનિવારની સાંજ વિસ્ફોટોના ગુંજારવથી ધ્રૂજી ઉઠી હતી. શહેરના કાલાગછીતલા (કંકલીતાલા) મંદિર અને તેની આસપાસના વિસ્તારોમાં થયેલા શ્રેણીબદ્ધ પેટ્રોલ બોમ્બ વિસ્ફોટોએ સમગ્ર દેશમાં ભય અને સાંપ્રદાયિક સૌહાર્દ ભંગ થવાની આશંકા જન્માવી છે.
ઘટનામાં કુલ ત્રણ વ્યક્તિઓ ઘાયલ થયા
7 માર્ચની સાંજે બનેલી આ ઘટનામાં કુલ ત્રણ વ્યક્તિઓ ઘાયલ થઈ છે. જેમાં મંદિરના પૂજારી કેશવ ચક્રવર્તી, સ્થાનિક રહેવાસી અબ્દુલ બારેક અને અન્ય એક અજાણી વ્યક્તિનો સમાવેશ થાય છે. સીસીટીવી ફૂટેજ મુજબ, સાંજે અંદાજે 6:28 વાગ્યે એક માસ્ક પહેરેલો અજાણ્યો શખ્સ બેગ લઈને મંદિર પરિસરમાં પ્રવેશ્યો હતો. બેગ ત્યાં મૂકીને તે તરત જ ફરાર થઈ ગયો, જેના ગણતરીની મિનિટોમાં જ પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આ હુમલા બાદ ભાગતી વખતે હુમલાખોરોએ નજીકના બૌદ્ધ મંદિર અને રસ્તા પર પણ અન્ય બે ક્રૂડ બોમ્બ ફેંક્યા હતા.
પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
ઘટનાની ગંભીરતાને જોતા કોમિલાના પોલીસ અધિક્ષક મોહમ્મદ અનિસુઝમાને તાત્કાલિક સર્ચ ઓપરેશન શરૂ કરવાની ખાતરી આપી છે. કોતવાલી મોડેલ પોલીસ સ્ટેશનના અધિકારી તૌહીદુલ અનવરે જણાવ્યું કે અમે સીસીટીવી ફૂટેજ મેળવી લીધા છે. જોકે હુમલાખોરનો ચોક્કસ હેતુ હજુ સ્પષ્ટ થયો નથી, પરંતુ ગુનેગારોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.આ હુમલો જે પ્રકારે મંદિરોને નિશાન બનાવીને કરવામાં આવ્યો છે, તેનાથી સ્થાનિક લઘુમતી સમુદાયોમાં રોષ અને ગભરાટ જોવા મળી રહ્યો છે. વહીવટીતંત્ર હાલમાં શાંતિ જાળવવાના પ્રયાસો કરી રહ્યું છે જેથી સ્થિતિ વધુ ન વણસે.










