બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે. ઢાકાની સ્પેશિયલ જજ કોર્ટ-4 દ્વારા સોમવારે ભ્રષ્ટાચારના બે મહત્વના કેસોમાં ચુકાદો આપતા શેખ હસીનાને કુલ 10 વર્ષની જેલની સજા ફટકારી છે. જજ રબીઉલ આલમે આ કેસમાં પૂર્વ વડાપ્રધાન ઉપરાંત તેમના પરિવારના સભ્યોને પણ દોષિત ઠેરવી જેલની સજા સંભળાવી છે.
પદનો દુરુપયોગ કર્યો
આ સમગ્ર વિવાદ રાજધાની ઢાકા નજીક 'પૂરબાચોલ' વિસ્તારમાં આવેલી 'રાજુક ન્યૂ ટાઉન' આવાસ યોજના સાથે જોડાયેલો છે. શેખ હસીના પર આરોપ છે કે તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન પદનો દુરુપયોગ કરીને જમીન ફાળવણીના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કર્યું હતું. બે અલગ-અલગ કેસોમાં ગેરકાયદેસર રીતે 10-કાઠાના પ્લોટ ફાળવવામાં આવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. અદાલતે બંને કેસમાં હસીનાને પાંચ-પાંચ વર્ષની સજા ફટકારી છે.
પરિવારના સભ્યોને પણ જેલ
કોર્ટે માત્ર શેખ હસીના જ નહીં, પરંતુ તેમના નજીકના સંબંધીઓ સામે પણ કડક વલણ અપનાવ્યું છે. તુલિપ સિદ્દીકી: 4 વર્ષની જેલની સજા. રદવાન મુજીબ સિદ્દીકી અને અજમીના સિદ્દીકી: પ્રત્યેકને 7-7 વર્ષની સજા. મોહંમદ ખુરશીદ આલમ (રાજુક સભ્ય): 2 વર્ષની સજા.
એક લાખ ટાકાનો દંડ પણ ફટકારવામાં આવ્યો
આ ઉપરાંત, તમામ દોષિતો પર એક લાખ ટાકાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જો તેઓ દંડ ભરવામાં નિષ્ફળ રહેશે, તો તેમને વધારાની છ મહિનાની જેલ ભોગવવી પડશે. બાંગ્લાદેશના રાજકીય વર્તુળોમાં આ ચુકાદાને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે તે દેશના ટોચના નેતૃત્વ સામે ભ્રષ્ટાચાર વિરોધી કડક કાર્યવાહીનો સંકેત આપે છે.
આ પણ વાંચોઃ Cyber Fraud Network: ડિજિટલ ફ્રોડ સામે ચીનની કડક કાર્યવાહી, 34,000 કરોડની ઠગાઈ કરનાર 4 ગુનેગારોને આપી ફાંસી