બાંગ્લાદેશમાં પોલીસે હિન્દુ ગાર્મેન્ટ વર્કર દીપુ ચંદ્ર દાસની હત્યાના કેસમાં વધુ એક શંકાસ્પદની ધરપકડ કરી છે. બાંગ્લાદેશ પોલીસની ડિટેક્ટીવ બ્રાન્ચે જણાવ્યું હતું કે હત્યામાં મુખ્ય વ્યક્તિ મોહમ્મદ યાસીન અરાફાતની ધરપકડ કરવામાં આવી છે. 25 વર્ષીય અરાફાત કાશર વિસ્તારમાં શેખબારી મસ્જિદના ઈમામ હતા. તેઓ મદીના તહફીઝુલ કુરાન મદરેસામાં શિક્ષક તરીકે પણ કામ કરતા હતા.


યાસીન લગભગ 12 દિવસ સુધી છુપાઈ રહ્યો

પોલીસના જણાવ્યા મુજબ યાસીન અરાફતની બુધવારે બપોરે ઢાકાના ડેમરા પોલીસ સ્ટેશન વિસ્તારના સરુલિયા વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી. દીપુ ચંદ્ર દાસની હત્યા બાદ યાસીન ભાગી ગયો હતો અને લગભગ 12 દિવસ સુધી છુપાઈ રહ્યો હતો. તેણે વિવિધ મદરેસામાં રહીને પોલીસથી બચવાનો પ્રયાસ કર્યો હતો. હત્યા પછી, તે સરુલિયા વિસ્તારના અનેક મદરેસામાં છુપાયો અને બાદમાં સુફા નામના મદરેસામાં શિક્ષક બન્યો. આ કેસમાં અત્યાર સુધીમાં 21 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

ક્યારે થઈ હતી હત્યા?

શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે યાસીને આ હત્યામાં સક્રિય ભૂમિકા ભજવી હતી. 18 ડિસેમ્બરના રોજ મૈમનસિંઘના ભાલુકા વિસ્તારમાં ભીડે દીપુ ચંદ્ર દાસને માર મારીને મારી નાખ્યો હતો. ત્યારબાદ તેમના શરીરને આગ લગાવી દેવામાં આવી હતી. શરૂઆતમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે દીપુની હત્યા કથિત નિંદા માટે કરવામાં આવી હતી. જોકે, ઘણા પ્રત્યક્ષદર્શીઓ અને દીપુના પિતાએ જણાવ્યું હતું કે તેની હત્યા તેની નોકરી અંગેના વિવાદને કારણે થઈ હતી. આ હત્યાથી માત્ર બાંગ્લાદેશમાં જ નહીં, પરંતુ ભારતમાં પણ આક્રોશ ફેલાયો હતો. ભારતમાં લઘુમતીઓની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા હતા અને ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી હતી.

9 આરોપીઓએ ગુનો કબૂલી લીધો

દીપુ હત્યાના 18 આરોપીઓને રિમાન્ડ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે 9 આરોપીઓએ તેમના નિવેદનોમાં ગુનો કબૂલી લીધો છે. 3 મુખ્ય સાક્ષીઓએ પણ ઘટના અંગે નિવેદનો આપ્યા છે. પોલીસનું કહેવું છે કે બાકીના આરોપીઓની શોધ ચાલુ છે. છેલ્લા 20 દિવસમાં બાંગ્લાદેશમાં 7 હિન્દુઓની હત્યા કરવામાં આવી છે.

આ પણ વાંચો: World News: ઉદ્યોગપતિ ચેન ઝી પર અમેરિકાએ લગાવ્યા છેતરપિંડી અને મની લોન્ડરિંગનો આરોપ, જાણો શું છે મામલો?


  • Follow us on: