બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણને લઈને રાજકીય વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે. બાંગ્લાદેશી સંસદના સ્પીકર હાફિઝ ઉદ્દીન અહેમદે જણાવ્યું છે કે જો ભારત પદભ્રષ્ટ વડાપ્રધાનને સોંપવાનો ઇનકાર કરશે, તો બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત (ICJ)નો સંપર્ક કરી શકે છે. એક અહેવાલ મુજબ, અહેમદે પાકિસ્તાનની તેમની છ દિવસીય મુલાકાત દરમિયાન આ ટિપ્પણી કરી હતી.


તેમણે વધુમાં ઉમેર્યું કે જો હસીના બાંગ્લાદેશ પરત ફરે છે, તો તેમણે સીધા જેલમાં જવું પડશે. બાંગ્લાદેશ રાજદ્વારી માધ્યમો દ્વારા તેમના પ્રત્યાર્પણની માંગ કરી રહ્યું છે. ભારતે બાંગ્લાદેશ તરફથી આવેલી આ વિનંતી મળી હોવાની પુષ્ટિ કરી છે, પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. ભારતનું કહેવું છે કે આ બાબતની તપાસ પ્રસ્થાપિત પ્રક્રિયાઓ અનુસાર કરવામાં આવી રહી છે.


અહેમદે એ અહેવાલોને પણ ફગાવી દીધા હતા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે હસીના 16 ડિસેમ્બરે બાંગ્લાદેશ પરત ફરશે. તેમણે કહ્યું કે આવી જાહેરાતનો હેતુ માત્ર તેમના સમર્થકોનું મનોબળ વધારવાનો હતો. તેમણે દાવો કર્યો કે હસીના આગામી 10 વર્ષ સુધી પાછી નહીં આવે.


હસીનાના પ્રવક્તાએ શું કહ્યું?

હસીનાના પ્રવક્તા સૈયદ મોઝમ્મેલ અલીએ જણાવ્યું છે કે પૂર્વ વડાપ્રધાન 16 ડિસેમ્બરે પરત ફરવાની યોજના બનાવી રહ્યા છે. હસીના બાંગ્લાદેશમાં ગંભીર કાનૂની પડકારોનો સામનો કરી રહ્યા છે; 2024ના જનઆંદોલન દરમિયાન પ્રદર્શનકારીઓ પર થયેલી ઘાતક કાર્યવાહીના સંબંધમાં એક વિશેષ ટ્રિબ્યુનલે તેમને ગેરહાજરીમાં મૃત્યુદંડની સજા સંભળાવી છે. 16 ડિસેમ્બર એ દિવસ છે જ્યારે બાંગ્લાદેશ 1971ના મુક્તિ સંગ્રામમાં પાકિસ્તાન પર મેળવેલી જીતની ઉજવણી કરે છે. હસીનાએ કોઈપણ ગેરરીતિનો ઇનકાર કર્યો છે અને આ ટ્રાયલ (મુદ્દમા)ની કાયદેસરતા પર સવાલ ઉઠાવ્યા છે.


પાકિસ્તાન મુલાકાત દરમિયાન અહેમદના આક્ષેપો

પાકિસ્તાનની મુલાકાત દરમિયાન, અહેમદે એવો પણ આરોપ લગાવ્યો કે છેલ્લા 15 વર્ષોમાં બાંગ્લાદેશ એક રીતે પાડોશી દેશનું "વસાહતી રાજ્ય" (કોલોની) બની ગયું હતું. જોકે તેમણે સ્પષ્ટપણે ભારતનું નામ લીધું ન હતું. અહેમદ સેનામાં ભૂતપૂર્વ કેપ્ટન છે. મુક્તિ સંગ્રામ દરમિયાન તેઓ પાકિસ્તાન સામે બળવો કરનારાઓમાં સામેલ હતા. તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે 1971 માં ભારતે બંગાળીઓને મદદ કરી ન હતી, પરંતુ પાકિસ્તાનને નબળું પાડવામાં ભૂમિકા ભજવી હતી. તેમણે કાશ્મીરનો મુદ્દો પણ ઉઠાવ્યો અને કહ્યું કે તેનું સમાધાન સંયુક્ત રાષ્ટ્રના ઠરાવો અનુસાર થવું જોઈએ.


આ પણ વાંચો: UP: બે-અઢી હજાર રૂપિયા લેવા એ ભ્રષ્ટાચાર કંઈ ભ્રષ્ટાચાર નથી... મંત્રી બેબી રાનીએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન