બાંગ્લાદેશમાં લોકશાહી સુધારાના આશયથી રજૂ કરાયેલ જુલાઈ ચાર્ટર હવે ભવિષ્યહીન બનતું દેખાઈ રહ્યું છે. શપથ ગ્રહણની પ્રક્રિયા શરૂ થવાની હતી એ પહેલાં જ બાંગ્લાદેશ નેશનલ પાર્ટી (BNP) એ આ ચાર્ટરને નકારી કાઢ્યું છે. BNPના નેતા તારિક રહેમાનના નેતૃત્વમાં પાર્ટીના સાંસદોએ બંધારણીય સુધારણા પરિષદના સભ્ય તરીકે શપથ લેવાનો ઇનકાર કર્યો છે.

રાજકીય વ્યવસ્થામાં સ્થાયી લોકશાહી સુધારા લાવવાનો

જુલાઈ ચાર્ટરનો મુખ્ય હેતુ બાંગ્લાદેશની રાજકીય વ્યવસ્થામાં સ્થાયી લોકશાહી સુધારા લાવવાનો હતો. આ પ્રસ્તાવ મુજબ, તમામ ચૂંટાયેલા સાંસદોને બંધારણીય સુધારણા પરિષદના સભ્ય તરીકે શપથ લેવી હતી, જેથી બંધારણમાં જરૂરી ફેરફારો ઝડપથી અને સર્વસંમતિથી અમલમાં આવી શકે. પરંતુ BNP નેતાઓનું કહેવું છે કે તેઓ માત્ર સંસદીય કામગીરી માટે ચૂંટાયા છે, બંધારણ બદલવા માટે નહીં.

 “અમે આ પ્રક્રિયાને સ્વીકારતા નથી.”

BNPના વરિષ્ઠ નેતા સલાહુદ્દીન અહેમદે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “અમે આ પ્રક્રિયાને સ્વીકારતા નથી.” આ નિવેદન બાદ સ્પષ્ટ થઈ ગયું કે BNP જુલાઈ ચાર્ટરના અમલમાં કોઈ સહકાર આપશે નહીં. પરિણામે, આ સુધારણા યોજના હવે શરૂઆત પહેલાં જ અટકી ગઈ છે.

ચાર્ટર અમલની ઔપચારિક પ્રક્રિયા

અહેવાલ મુજબ, જુલાઈ ચાર્ટર અમલની ઔપચારિક પ્રક્રિયા આજે શરૂ થવાની હતી. સ્ટેજ પર સાંસદોને શપથ લેવડાવવાની તૈયારી હતી, પરંતુ BNPના સાંસદોએ શપથ ન લેતા સમગ્ર કાર્યક્રમ ખોરવાઈ ગયો. આ વચ્ચે, BNP બાદ જમાત-એ-ઇસ્લામી**એ પણ જુલાઈ ચાર્ટરનો ખુલ્લેઆમ ઇનકાર કર્યો છે. પાર્ટીના નાયબ અમીર સૈયદ અબ્દુલ્લા મુહમ્મદ તાહેરે કહ્યું કે, “BNPની જેમ અમારા સાંસદો પણ બંધારણીય સુધારણા પરિષદના સભ્ય તરીકે શપથ લેશે નહીં. અમે અમારી રાજકીય લડત અલગ રીતે લડશું.” જમાત-એ-ઇસ્લામી બાંગ્લાદેશનો મહત્વપૂર્ણ વિપક્ષી પક્ષ હોવાથી, તેના ઇનકારથી ચાર્ટરની સ્થિતિ વધુ નબળી પડી છે.

જુલાઈ ચાર્ટર શા માટે મહત્વનું હતું?

ઓગસ્ટ 2024માં, જુલાઈ મહિનામાં શરૂ થયેલા વિદ્યાર્થી આંદોલન બાદ બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારનો અંત આવ્યો હતો. ત્યારબાદ, મુહમ્મદ યુનુસના નેતૃત્વમાં વચગાળાની સરકાર રચાઈ. આ સરકારે લોકશાહી મજબૂત કરવા માટે જુલાઈ ચાર્ટર રજૂ કર્યું હતું.

શુ હતી મહત્વપૂર્ણ જોગવાઇ

આ ચાર્ટરમાં મહત્વપૂર્ણ જોગવાઈ એ હતી કે કોઈ પણ વ્યક્તિ 10 વર્ષથી વધુ સમય સુધી બાંગ્લાદેશના વડા પ્રધાન પદ પર રહી શકશે નહીં. આ ઉપરાંત, સત્તાનો દુરુપયોગ રોકવા અને સંસ્થાઓને વધુ સ્વતંત્ર બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સરકારના દાવા મુજબ, આ પ્રસ્તાવને થયેલા લોકમતમાં 50 ટકાથી વધુ નાગરિકોએ સમર્થન આપ્યું હતું.

મોટા રાજકીય પક્ષોના ઇનકાર

પરંતુ હવે, BNP અને જમાત જેવા મોટા રાજકીય પક્ષોના ઇનકાર બાદ, પ્રશ્ન ઊભો થયો છે કે શું બાંગ્લાદેશમાં વાસ્તવમાં લોકશાહી સુધારા શક્ય બનશે? રાજકીય વિશ્લેષકો માને છે કે વિપક્ષની સહમતિ વિના આ પ્રકારની બંધારણીય સુધારણા અમલમાં લાવવી અત્યંત મુશ્કેલ છે.

આ પણ વાંચો : Bangladesh BNP government : ભારત સાથે સંવાદ જ રસ્તો, નવી BNP સરકારનો સ્પષ્ટ સંદેશ