બાંગ્લાદેશના ઇતિહાસમાં અત્યાર સુધી ત્રણ મહત્વપૂર્ણ લોકમત યોજાઈ ચૂક્યા છે. આ ત્રણેય લોકમતના પરિણામો એક વાત સ્પષ્ટ કરે છે , જે સત્તામાં હોય છે તેને જ મોટા પ્રમાણમાં સમર્થન મળતું રહ્યું છે. 1977માં જનરલ જિયાઉર રહેમાન દ્વારા યોજાયેલા લોકમતમાં લગભગ 99% લોકોએ “હા” મત આપ્યો હતો. 1985માં રાષ્ટ્રપતિ હુસૈન મુહમ્મદ ઇર્શાદના સમયમાં પણ 94% થી વધુ લોકોએ સમર્થન આપ્યું. 1991માં સંસદીય પ્રણાલી પુનઃસ્થાપિત કરવા માટે યોજાયેલા લોકમતમાં 84% લોકોએ “હા” કહ્યું. આ ત્રણેય પ્રસંગો જુદા હતા, પરંતુ પરિણામો લગભગ સમાન રહ્યા – સત્તાધીશોનું મજબૂત સમર્થન. વિશ્લેષકો માને છે કે લોકમત ઘણીવાર રાજકીય દિશા નક્કી કરવા કરતાં સત્તાને મજબૂત બનાવવાનો સાધન બન્યા છે.
12 ફેબ્રુઆરી 2026ના રોજ ચોથું લોકમત
હવે 12 ફેબ્રુઆરી 2026ના રોજ ચોથું લોકમત યોજાવાનું છે. આ વખતે મુદ્દો છે “જુલાઈ ચાર્ટર”. આ ચાર્ટર 47 મોટા બંધારણીય ફેરફારોનો પેકેજ છે. જો જનતા “હા” મત આપે, તો બંધારણમાં સુધારા કરીને નવી વ્યવસ્થા અમલમાં મૂકાશે. આ લોકમતની ખાસ વાત એ છે કે સામાન્ય રીતે પહેલા સંસદમાં સુધારો પસાર થાય અને પછી જનમત લેવામાં આવે. પરંતુ આ વખતે પહેલું જનમત છે અને ત્યારબાદ સુધારા લાગુ કરવાની પ્રક્રિયા શરૂ થશે. એટલે કે જનતા સીધા જ મોટા પેકેજ પર નિર્ણય લેશે.
47 ફેરફારોમાં સંસદની રચનામાં બદલાવ
આ 47 ફેરફારોમાં સંસદની રચનામાં બદલાવ, વડાપ્રધાનની સત્તાઓ મર્યાદિત કરવી, રાષ્ટ્રપતિની ભૂમિકા બદલવી અને દ્વિગૃહી સંસદ બનાવવાની યોજના સામેલ છે. દ્વિગૃહી પ્રણાલી એટલે બે ગૃહવાળી સંસદ – એક નીચલું ગૃહ અને એક ઉપલા ગૃહ. પ્રસ્તાવ મુજબ 100 સભ્યોનું ઉપલા ગૃહ બનાવવામાં આવી શકે છે.
જો “હા” પરિણામ
જો “હા” પરિણામ આવે, તો એક બંધારણીય સુધારણા પરિષદ રચાશે. આ પરિષદ 180 દિવસની અંદર 47 સુધારાઓને અમલમાં મૂકવાનો પ્રયાસ કરશે. 151 સભ્યોમાંથી બહુમતીનો સમર્થન જરૂરી રહેશે. એટલે દેશમાં રાજકીય માળખામાં મોટું પરિવર્તન જોવા મળી શકે છે.
જો “ના” પરિણામ
જો “ના” પરિણામ આવે, તો આખી પ્રક્રિયા અટકી જશે. પરંતુ રાજકીય માહોલ જોતા ઘણા લોકો માને છે કે સત્તાધીશો “હા” માટે જોરદાર પ્રચાર કરી રહ્યા છે. વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસ પર આરોપ છે કે તેઓ આ લોકમત દ્વારા પોતાની અસર જાળવી રાખવા માંગે છે. જોકે તેઓએ જાહેરમાં કહ્યું છે કે ચૂંટણી પછી સત્તા નવી સરકારને સોંપી દેવામાં આવશે.
47 અલગ મુદ્દાઓને એક જ પ્રશ્નમાં
આ મુદ્દે દેશમાં ચર્ચા ગરમ છે. કેટલાક લોકો માને છે કે 47 અલગ મુદ્દાઓને એક જ પ્રશ્નમાં જોડવું યોગ્ય નથી. મતદાતાઓને દરેક મુદ્દા પર અલગ મત આપવાની તક મળવી જોઈએ. એક પેકેજ પર “હા” કે “ના” કહેવું સરળ છે, પરંતુ તેમાં રહેલા તમામ મુદ્દાઓ પર સહમતિ હોવી જરૂરી નથી. લોકમત પછી પણ પ્રક્રિયા સરળ નહીં હોય. નવા નિયમો, નવી ચૂંટણી વ્યવસ્થા અને સંસદીય માળખા માટે અનેક પગલાં ભરવા પડશે. જો બંધારણમાં મોટા ફેરફારો થાય, તો દેશની રાજકીય દિશા લાંબા ગાળે બદલાઈ શકે છે.
લોકમત ફક્ત એક મતદાન
આ લોકમત ફક્ત એક મતદાન નથી. તે બાંગ્લાદેશના રાજકારણ, શાસન અને લોકશાહીની દિશા નક્કી કરનાર ઘટના બની શકે છે. “હા” આવે તો મોટું પરિવર્તન શક્ય છે, અને “ના” આવે તો હાલની વ્યવસ્થા ચાલુ રહેશે. આથી 12 ફેબ્રુઆરી 2026નો દિવસ બાંગ્લાદેશ માટે ઐતિહાસિક સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો : Bangladesh election 2026 : બાંગ્લાદેશ ચૂંટણી પહેલા વધુ એક હિન્દુ યુવાનની હત્યા, હાથ-પગ બાંધેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો