બાંગ્લાદેશમાં લાંબા સમયની રાજકીય અનિશ્ચિતતા અને અશાંતિ બાદ હવે લોકશાહીના એક નવા યુગનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. તાજેતરમાં યોજાયેલી સંસદીય ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP) એ ભવ્ય વિજય મેળવ્યા બાદ, પક્ષના પ્રમુખ નેતા તારિક રહેમાન આગામી 17 ફેબ્રુઆરીના રોજ દેશના નવા વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કરશે.

ભવ્ય વિજય અને સત્તામાં વાપસી

લગભગ બે દાયકાના લાંબા અંતરાલ બાદ BNP સત્તામાં પરત ફરી રહી છે. 297 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં BNP એ 209 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી હાંસલ કરી છે. નોંધનીય છે કે આ ચૂંટણીમાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની પાર્ટી 'અવામી લીગ' પર પ્રતિબંધ હોવાને કારણે તે મેદાનમાં નહોતી, જ્યારે જમણેરી પક્ષ 'જમાત-એ-ઇસ્લામી' 68 બેઠકો સાથે બીજા સ્થાને રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય આમંત્રણ અને ભારતનું વલણ

શપથ ગ્રહણ સમારોહને યાદગાર બનાવવા માટે BNP એ ભારત,ચીન,સાઉદી અરેબિયા,પાકિસ્તાન,તુર્કી,યુએઈ,કતાર,મલેશિયા,બ્રુનેઈ,શ્રીલંકા,નેપાળ,માલદીવ્સ, ભૂતાનને આમંત્રણ આપવામાં આવ્યું છે.

તારિક રબેમાન સાથે કરી હતી ટેલિફોનિક વાતચીત

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જ તારિક રહેમાન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને તેમની પાર્ટીના પ્રચંડ વિજય બદલ અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ બંને દેશો વચ્ચેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોને યાદ કરતા બાંગ્લાદેશની શાંતિ અને પ્રગતિ માટે ભારતની સતત પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી.

શું પીએમ મોદી ઢાકા જશે?

જોકે, પીએમ મોદી પોતે આ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપે તેવી શક્યતા ઓછી છે. તેનું કારણ એ છે કે 17 ફેબ્રુઆરીના રોજ તેઓ મુંબઈમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાટાઘાટોમાં વ્યસ્ત હશે. આથી, ભારત સરકાર વતી કોઈ વરિષ્ઠ અધિકારી અથવા મંત્રી ઢાકા મોકલવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.

સંબંધોની નવી દિશા

બાંગ્લાદેશમાં આવેલું આ રાજકીય પરિવર્તન દક્ષિણ એશિયાના ભૂ-રાજકીય સમીકરણો માટે ખૂબ મહત્વનું છે. ભારત માટે પડોશી દેશમાં સ્થિરતા અનિવાર્ય છે, અને હવે નવા નેતૃત્વ હેઠળ ભારત-બાંગ્લાદેશના સંબંધો કેવો વળાંક લે છે તે જોવું રસપ્રદ રહેશે.

આ પણ વાંચોઃ IMD Alert: હવામાનમાં આવશે પલટો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા 17-18 ફેબ્રુઆરીએ ભારે વરસાદની આગાહી!