Bangladeshના ચટગાંવમાં એક મિલિટરી એક્સરસાઇઝ દરમિયાન એક ટેન્કમાં બ્લાસ્ટ થયો. ઘટનામાં ટેન્કમાં હાજર સેનાના બે જવાનોના ઘટનાસ્થળે જ મોત થયા. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ટેન્ક સંપૂર્ણપણે તબાહ થઈ ગઈ અને અંદર બેઠેલા ક્રૂ સભ્યોને બહાર નીકળવા માટે એક સેકન્ડનો પણ સમય મળ્યો નહીં. ઘટનામાં એક મિલિટરી ઓફિસર ગંભીર રીતે ઘાયલ થયો છે.
હથાજારી ફીલ્ડ ફાયરિંગ રેન્જમાં થયો અકસ્માત
આ અકસ્માત બુધવાર, 9 સપ્ટેમ્બરે હથાજારી ફીલ્ડ ફાયરિંગ રેન્જમાં થયો હતો. બાંગ્લાદેશના ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ ડિરેક્ટોરેટ (ISPR) અનુસાર, ફીલ્ડ એક્સરસાઇઝ દરમિયાન ચીનમાં બનેલી એક ટેન્ક ફાયરિંગ કરી રહી હતી ત્યારે અચાનક આ અકસ્માત થયો. સેનાના જવાને ટ્રિગર દબાવતાં જ અચાનક વિસ્ફોટ થયો. ટેન્ક બ્લાસ્ટમાં માર્યા ગયેલા જવાનોની ઓળખ અબુ બકર સિદ્દીક અને તસ્નીમ રફાયત તરીકે થઈ છે.
કેપ્ટન મિર્ઝાના બંને હાથ ગંભીર રીતે ઘાયલ
ઘાયલ ઓફિસરની ઓળખ કેપ્ટન મિર્ઝા તરીકે થઈ છે. તેમના બંને હાથમાં ગંભીર ઈજાઓ થઈ છે. ઘાયલ ઓફિસરને વધુ સારી સારવાર માટે એરલિફ્ટ કરીને ઢાકાની કમ્બાઇન્ડ મિલિટરી હોસ્પિટલ (CMH)માં લઈ જવામાં આવ્યા છે. ISPRએ જણાવ્યું કે અકસ્માતનું કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે. બાંગ્લાદેશ સેનાએ બે જવાનોના મોતની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે વિસ્ફોટના કારણની તપાસ કરવામાં આવી રહી છે. મિલિટરી એક્સપર્ટ્સનું માનવું છે કે આ અકસ્માત “બોર પ્રીમેચ્યોર એક્સપ્લોઝન” એટલે કે બેરલની અંદર જ શેલ ફાટી જવો અથવા ગોળા-બારૂદમાં કોઈ ટેક્નિકલ ખામીના કારણે થયો હોઈ શકે છે.
તપાસ માટે હાઈલેવલ કમિટી બનાવાઈ
એક્સપર્ટ્સનું માનવું છે કે આ ટેન્કમાં થોડી પણ ઓવરહિટિંગ અથવા ઓછી ગુણવત્તાવાળા ગન બેરલના કારણે શેલ અંદર જ ફાટી શકે છે. જોકે, બાંગ્લાદેશ સેનાએ આ મામલાની તપાસ માટે હાઈલેવલ કમિટી બનાવી છે. હવે ચીની હથિયારોની કથિત ખરાબ ગુણવત્તાને લઈને સીધા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: Sheikh Hasinaની વાપસી પહેલા બાંગ્લાદેશમાં Awami League સક્રિય