બાંગ્લાદેશના રાજકીય ઇતિહાસમાં એક મહત્વનું પરિવર્તન આવ્યું છે. બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) ના અધ્યક્ષ તારિક રહેમાન 20 વર્ષના લાંબા અંતરાલ બાદ સત્તામાં પરત ફર્યા છે અને 36 વર્ષમાં દેશના પ્રથમ પુરુષ વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. આ ઐતિહાસિક અવસરે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા છે.

ઓમ બિરલાએ પહોંચાડ્યો પીએમનો પત્ર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 'ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ એક્સ્પો 2026' માં વ્યસ્ત હોવાને કારણે શપથ ગ્રહણ સમારોહમાં વ્યક્તિગત રીતે હાજર રહી શક્યા ન હતા. આથી, તેમણે ભારત સરકારના પ્રતિનિધિ તરીકે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને બાંગ્લાદેશ મોકલ્યા હતા. ઓમ બિરલાએ વડાપ્રધાન મોદીનો ભાવનાત્મક અને ગંભીર સંદેશ ધરાવતો પત્ર તારિક રહેમાનને સોંપ્યો હતો.

પત્રમાં પીએમ મોદીએ શું લખ્યું?

વડાપ્રધાન મોદીએ પોતાના પત્રમાં તારિક રહેમાનના નેતૃત્વમાં બાંગ્લાદેશના લોકોએ મૂકેલા વિશ્વાસને બિરદાવ્યો હતો. તેમણે લખ્યું, "તમારી આ જીત બાંગ્લાદેશના લોકોના વિશ્વાસ અને દેશને શાંતિ તથા સમૃદ્ધિ તરફ લઈ જવાના તમારા વિઝનનો પુરાવો છે. બે નજીકના પાડોશી તરીકે ભારત અને બાંગ્લાદેશ સહિયારો ઇતિહાસ અને સાંસ્કૃતિક જોડાણ ધરાવે છે." પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે ભારત અને બાંગ્લાદેશ બંને ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓ છે અને તેઓ એકબીજાના ટકાઉ વિકાસ માટે ઉત્પ્રેરક (Catalyst) બની શકે છે. તેમણે પરસ્પર સુરક્ષા અને સમૃદ્ધિ માટે સાથે મળીને કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

સહયોગના વિવિધ ક્ષેત્રો અને આમંત્રણ

વડાપ્રધાન મોદીએ માત્ર અભિનંદન જ પાઠવ્યા નથી, પરંતુ ભવિષ્યના સહયોગ માટેના રોડમેપનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે વેપાર, કનેક્ટિવિટી, ટેકનોલોજી, શિક્ષણ, ઉર્જા અને આરોગ્ય જેવા વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા પર ભાર મૂક્યો છે. પત્રના અંતે પીએમ મોદીએ તારિક રહેમાનને તેમની પત્ની ડૉ. ઝુબૈદા રહેમાન અને પુત્રી ઝૈમા સાથે અનુકૂળ સમયે ભારતની મુલાકાત લેવા માટે ખાસ આમંત્રણ પણ આપ્યું છે.

આ પણ વાંચોઃ Gujarat Information and Broadcast Budget 2026: માહિતી અને પ્રસારણ વિભાગ માટે ₹452 કરોડની ફાળવણી