બાંગ્લાદેશની રાજનીતિમાં 25 ડિસેમ્બર 2025 એક ઐતિહાસિક દિવસ બની ગયો છે. બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP)ના કાર્યકારી અધ્યક્ષ તારિક રહેમાન 17 વર્ષના લાંબા સમય બાદ લંડનથી ઢાકા પરત ફર્યા છે. આ ઘટનાએ દેશની રાજનીતિમાં નવી હલચલ ઉભી કરી દીધી છે પણ આ વખતે ચર્ચા માત્ર તારિક રહેમાનની નથી પણ તેમની દીકરી જાઈમા જરનાજ રહેમાનની પણ થઈ રહી છે.


લાખો BNP સમર્થક હાજર રહ્યા

તારિક રહેમાન બાંગ્લાદેશ એરલાઈન્સની ફ્લાઈટથી લંડનથી રવાના થયા હતા. ફ્લાઈટે સિલહટમાં સ્ટોપઓવર કર્યું અને ગુરૂવારે બપોરે ઢાકાના હજરત શાહજલાલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર લેન્ડ થયા. એરપોર્ટ બહાર અગાઉથી જ લાખો BNP સમર્થક હાજર હતા. ઠંડી અને ધુમ્મસ હોવા છતાં લોકો કલાકો સુધી પોતાના નેતાની એક ઝલક જોવા માટે રસ્તાઓ પર ઉભા રહ્યા.

કેમ જાઈમા રહેમાનની થઈ રહી છે ચર્ચા?

આ સમગ્ર ઘટનામાં સૌથી વધારે ચર્ચા તારિક રહેમાનની દીકરી જાઈમા જરનાજ રહેમાનને લઈને થઈ રહી છે. તે પોતાના પિતા અને માતા ડો.જુબેદા રહેમાનની સાથે લંડનથી ઢાકા પહોંચી છે. એરપોર્ટ પર પરિવારની સાથે તેમની તસ્વીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. સિલહટમાં લેન્ડિંગ બાદ જાઈમાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેયર કરી. ત્યારબાદ પણ એક પોસ્ટ શેયર કરી અને લખ્યું કે આખરે સિલહટમાં, બાંગ્લાદેશની ધરતી પર.

જાઈમા રહેમાને પોસ્ટ કરી શેયર

આ પોસ્ટ પર મોટી સંખ્યામાં લોકો કમેન્ટ કરી રહ્યા છે અને ઘણા લોકોએ બાંગ્લાદેશની રાજનીતિમાં નવી પેઢીના આવવાની વાત કહી છે તો કેટલાક લોકો કહી રહ્યા છે કે જાઈમા ટુંક સમયમાં સક્રિય રાજકારણમાં ઉતરી શકે છે. તમને જણાવી દઈએ કે જાઈમા રહેમાનની ઉંમર લગભગ 30 વર્ષ છે. તેમને લંડનની ક્વીન મેરી યૂનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો છે. ત્યારબાદ લિંકન ઈનથી બેરિસ્ટરની ડિગ્રી મેળવી છે. તે લંડનમાં પ્રેક્ટિસિંગ બેરિસ્ટર રહી છે. તે પૂર્વ રાષ્ટ્રપતિ જિયાઉર રહેમાન અને પૂર્વ વડાપ્રધાન ખાલિદા જિયાની એક માત્ર પ્રપૌત્રી છે. જાઈમા અત્યાર સુધી ઔપચારિક રાજકારણથી દૂર રહી છે પણ તાજેત્તરમાં BNPની કેટલીક વર્ચ્યુઅલ બેઠકમાં તેમની હાજરીએ ચર્ચાઓ તેજ કરી દીધી છે.

BNP માટે એક મોટો રાજકીય ફાયદો

તારિક રહેમાનની આ વાપસી ફેબ્રુઆરી 2026માં યોજાનારી ચૂંટણી પહેલા થઈ છે. ત્યારે BNP માટે એક મોટો રાજકીય ફાયદો માનવામાં આવી રહ્યો છે. સમર્થકોનું માનવું છે કે જાઈમા રહેમાનની હાજરી પાર્ટીને નવ ઊર્જા આપી શકે છે. ઉલ્લેખનીય છે કે તારિક રહેમાન પોતે અગાઉ કહી ચૂક્યા છે કે તેમની પત્ની અને દિકરી રાજકારણમાં સક્રિય થશે કે નહીં, તે આવનારો સમય જ નક્કી કરશે.  


આ પણ વાંચો: Bangladesh Tension : 17 વર્ષ બાદ દેશમાં પરત ફર્યા બાદ તારિક રહેમાને કરી મોટી જાહેરાત, કહ્યું 'સુરક્ષિત અને સપનાનું બાંગ્લાદેશ બનાવીશ'


  • Follow us on: