બેલ્જિયમના ઉત્તરીય શહેર એન્ટવર્પમાં બુધવારે એક અત્યંત કરુણ અને ભીષણ અગ્નિકાંડની ઘટના સામે આવી છે. શહેરના લિંકરોએવર વિસ્તારમાં આવેલી એક 10 માળની રહેણાંક ઇમારતમાં લાગેલી ભીષણ આગને કારણે 6 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે, જેણે સમગ્ર સ્થાનિક સમુદાયને હચમચાવી દીધો છે. આ બિલ્ડિંગમાં 200થી વધુ લોકો રહેતા હતા.

સવારના સમયે બની ઘટના 

સ્થાનિક સત્તાવાળાઓ અને ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, બુધવારે સવારે લગભગ 9:53 વાગ્યે આ ઇમારતના આઠમા માળેથી આગની જ્વાળાઓ નીકળવાનું શરૂ થયું હતું. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. અગ્નિશામક દળને તાત્કાલિક જાણ કરવામાં આવતા શહેરના વિવિધ વિસ્તારોમાંથી અનેક ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.

બચાવ કામગીરી ચાલુ

આ ઇમારતમાં આશરે 200 જેટલા લોકો વસવાટ કરતા હતા. ફાયર ફાઇટરોની ત્વરિત કાર્યવાહીને કારણે ઇમારતને ખાલી કરાવવામાં આવી હતી, પરંતુ દુર્ભાગ્યવશ આ ઘટનામાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને સંખ્યાબંધ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જોકે, મૃત્યુઆંક અંગે હજુ સુધી કોઈ સત્તાવાર અને અંતિમ આંકડો જાહેર કરવામાં આવ્યો નથી. હાલમાં બચાવ ટુકડીઓ કાટમાળ અને ઇમારતના અંદરના ભાગોમાં તપાસ કરી રહી છે જેથી કોઈ ફસાયેલું ન હોય. મૃત્યુઆંક વધી પણ શકે છે. 
https://twitter.com/AidenReports/status/2072273916408496485

વહીવટીતંત્રની ચેતવણી

આગની ગંભીરતાને જોતા સ્થાનિક વહીવટીતંત્રે આ વિસ્તારના રહીશો માટે તાત્કાલિક સલાહકાર (Advisory) જારી કર્યો છે. પોલીસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, "આગના કારણે ઉત્પન્ન થયેલો ઘેરો અને ઝેરી ધુમાડો હવામાં ફેલાઈ રહ્યો છે, તેથી નજીકના તમામ રહીશોએ સાવચેતીના ભાગરૂપે તેમની બારીઓ અને દરવાજા બંધ રાખવા જોઈએ. જો ઘરમાં વેન્ટિલેશન સિસ્ટમ કે એર કન્ડીશનીંગ ચાલુ હોય, તો તેને પણ તાત્કાલિક બંધ કરી દેવી જોઈએ."

આગ લાગવાનું કારણ હજુ અકબંધ 

આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે કે શું આ શોર્ટ સર્કિટને કારણે થયું છે કે અન્ય કોઈ ટેકનિકલ ખામીને કારણે. હાલમાં આખું તંત્ર અને તબીબી ટીમ ઘટનાસ્થળે તૈનાત છે. આ દુર્ઘટનાએ ફરી એકવાર બહુમાળી ઇમારતોમાં અગ્નિ સુરક્ષાના ધોરણો પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ પણ વાંચોઃ Japanese Submarine I52: 50 વર્ષ પહેલા સમુદ્રમાં ગાયબ થયેલી 'ભૂતિયા' સબમરીન મળી, અંદરનું સોનું જોઇ વૈજ્ઞાનિકો આશ્ચર્યચકિત