આઠ વર્ષની લાંબી અને જટિલ અવકાશયાત્રા પૂર્ણ કર્યા બાદ યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) અને જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી (JAXA) ના સંયુક્ત 'બેપીકોલંબો' મિશનના બે અવકાશયાન બુધ ગ્રહની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક પહોંચી ગયા છે. ઓક્ટોબર 2018માં ફ્રેન્ચ ગુયાનાથી લોન્ચ થયેલા આ અવકાશયાને બુધ સુધી પહોંચવા માટે આશરે 10 અબજ કિલોમીટર (૬ અબજ માઇલ) થી વધુનું અંતર કાપ્યું છે.
શુક્રની બે અને બુધની 6 વખત પરિક્રમા કરી
આ પ્રવાસ દરમિયાન અવકાશયાને ગુરુત્વાકર્ષણની મદદ લેવા માટે પૃથ્વીની એક વખત, શુક્રની બે વખત અને બુધની છ વખત પરિક્રમા કરી હતી. પ્રોપલ્શન સિસ્ટમમાં આવેલી ટેકનિકલ ખામીને કારણે યાત્રામાં વિલંબ થયો હતો, પરંતુ થ્રસ્ટર્સની મદદથી તે બુધના નબળા ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં પ્રવેશવામાં સફળ રહ્યું છે.
બુધ ગ્રહ સુધી પહોંચનારૂ પહેલું મિશન
બુધ ગ્રહ સુધી પહોંચનાર આ ત્રીજું અવકાશયાન છે અને એક દાયકા કરતાં વધુ સમય બાદ ત્યાં પહોંચેલું પ્રથમ મિશન છે. અગાઉ 1970 ના દાયકામાં નાસાનું મરીનર ૧૦ અને ૨૦૧૧માં મેસેન્જર (જે 2015 માં નાશ પામ્યું હતું) બુધ પર પહોંચ્યા હતા. આ મિશનનું નામ સ્વર્ગસ્થ ઇટાલિયન ગણિતશાસ્ત્રી જિયુસેપ બેપી કોલંબો પરથી રાખવામાં આવ્યું છે, જેઓ મરીનર ૧૦ ટીમનો ભાગ હતા. આ $૨ બિલિયનના મિશન હેઠળ બંને રોબોટિક અવકાશયાન આવતા મહિને અલગ થઈને અલગ-અલગ ભ્રમણકક્ષામાં જશે અને બુધનો નકશો તૈયાર કરશે.
બુધ ગ્રહના રહસ્યો ખોલશે બેપીકોલંબો
બેપીકોલંબોનો મુખ્ય ઉદ્દેશ્ય બુધની ઉત્પત્તિ, રચના, વિશાળ ધાતુના કોર અને ચુંબકીય ક્ષેત્રને સમજવાનો છે. સૂર્યની અત્યંત નજીક હોવા છતાં બુધના અમુક ખાડાઓમાં બરફ કેવી રીતે ટકી રહે છે અને સપાટી પરના રહસ્યમય ખાડાઓ તથા 4.5 કિલોમીટર ઊંચા પર્વતો અંગે પણ સંશોધન થશે. બુધ પર તાપમાન 427 ડિગ્રી સેલ્સિયસથી વધુ પહોંચી શકે છે, તેથી અવકાશયાન અને સાધનોને ઠંડા રાખવા એ સૌથી મોટો ટેકનિકલ પડકાર છે. મુખ્ય વૈજ્ઞાનિક ગેરેન્ટ જોન્સના મત પ્રમાણે બંને અવકાશયાન એકસાથે માપન કરીને અભૂતપૂર્વ ડેટા આપશે અને આ મિશન ઓછામાં ઓછું એક પૃથ્વી વર્ષ (ચાર બુધ વર્ષ) ચાલવાની અપેક્ષા છે.
આ પણ વાંચોઃ શિયાળામાં શરદી ખાંસી માટે તુલસી છે વરદાનરૂપ