દક્ષિણ એશિયામાં ભારત અને ભૂટાન વચ્ચેના ઐતિહાસિક અને ગાઢ સંબંધોને વધુ એક સુવર્ણ સ્થાન પ્રાપ્ત થયું છે. ભૂટાનના ગેલેફુ માઇન્ડફુલનેસ સિટી (GMC) ખાતે એક અત્યંત અદ્ભુત, પવિત્ર અને આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન માત્ર 9 કલાકના ટૂંકા સમયગાળામાં ૧૦૮ બૌદ્ધ સ્તૂપો (ઝાંગચુપ ચોર્ટેન)નું નિર્માણ અને પવિત્રીકરણ કરીને એક નવો જ ઇતિહાસ રચવામાં આવ્યો છે. આ 108 સ્તૂપોમાંથી 76મા નંબરનો સ્તૂપ ભારત અને ભૂટાન વચ્ચેની અતૂટ મિત્રતા અને સહયોગના પ્રતિકરૂપે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખાસ સમર્પિત કરવામાં આવ્યો છે.
કિરેન રિજિજુ રહ્યા હતા ઉપસ્થિત
આ પવિત્ર સમારોહ 1 નવેમ્બરે સવારથી શરૂ થઈને બપોરે 12.00 વાગ્યા સુધી સતત ચાલ્યો હતો. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા અને ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ ભૂટાન ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને દેશના મુખ્ય મઠાધિપતિ સાથે મળીને PM મોદીને સમર્પિત સ્તૂપની વિશેષ તકતીનું અનાવરણ કર્યું હતું.
https://x.com/KirenRijiju/status/2116867985264853170?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2116867985264853170%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=
ગેલેફુ માઇન્ડફુલનેસ સિટી અને રાજાનું વિઝન
ગેલેફુ માઇન્ડફુલનેસ સિટી એ ભૂટાનના રાજા જિગ્મે ખેસરનું એક અનોખું અને દૂરંદેશી વિઝન છે. તેઓ પ્રાચીન ભૂટાની સંસ્કૃતિ, પરંપરા અને બૌદ્ધ મૂલ્યો સાથે આધુનિક ટેકનોલોજી અને શાંતિપૂર્ણ શહેરી જીવનનો સુમેળ સાધીને એક ભવ્ય શહેરનું નિર્માણ કરી રહ્યા છે. આ ૧૦૮ સ્તૂપો આ નવા શહેરના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પાયા તરીકે કાર્ય કરશે.
સમારોહ દરમિયાન રાજા વાંગચુકે આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટને સતત સહયોગ આપવા બદલ ભારત સરકાર, વડાપ્રધાન મોદી અને ભારતના નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, "ગેલેફુમાં ભારતનો વિશ્વાસ એ ભૂટાન પરનો વિશ્વાસ દર્શાવે છે. ભૂટાન સરહદો કે દીવાલોથી નહીં પરંતુ સચ્ચાઈ અને મિત્રતાના દમ પર આગળ વધ્યું છે. આ પ્રોજેક્ટ માત્ર ભૂટાન જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના કલ્યાણ માટે એક ઉદાહરણ બનશે."
દ્વિપક્ષીય ભાગીદારી વધુ મજબૂત બની
મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી ભૂટાનના રાજપરિવાર અને દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી. તેમણે સોશિયલ મીડિયા પર આ પવિત્ર ક્ષણો શેર કરતાં ઉમેર્યું કે ભારત અને ભૂટાન વચ્ચેની અનન્ય ભાગીદારી સમય જતાં વધુ મજબૂત અને ઉગાઢ બનતી રહેશે.
આ પણ વાંચોઃ Diwali Decoration: ઘરના દરવાજાને આ રીતે સજાવી બનાવો સુંદર અને યુનિક