પશ્ચિમ એશિયામાં યુદ્ધના ભણકારા વચ્ચે અમેરિકા માટે સારા સમાચાર આવ્યા છે. સાઉદી અરેબિયા અને કુવૈતે અમેરિકી સેનાને તેમના લશ્કરી મથકો અને હવાઈ ક્ષેત્ર (Airspace) નો ઉપયોગ કરવાની ફરીથી પરવાનગી આપી દીધી છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે ઈરાન સાથેનો સંઘર્ષ ચરમસીમા પર છે અને હોર્મુઝ સ્ટ્રેટમાં વેપારી જહાજોની સુરક્ષા જોખમમાં છે.

'પ્રોજેક્ટ ફ્રીડમ' ને નવું જીવન મળ્યું:

ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા તેલના ટેન્કરો અને વેપારી જહાજોને ઈરાની હુમલાઓથી બચાવવા માટે 'પ્રોજેક્ટ ફ્રીડમ' નામનું ઓપરેશન શરૂ કર્યું હતું. આ મિશન માટે ગલ્ફ દેશોના એરબેઝનો ઉપયોગ અનિવાર્ય હતો. અગાઉ સાઉદી અરેબિયાએ આ મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે ટ્રમ્પને આ મિશન અધવચ્ચે જ રદ કરવાની ફરજ પડી હતી. પરંતુ હવે પ્રતિબંધો હટતા, યુએસ નેવી અને એરફોર્સ વધુ તાકાત સાથે આ વિસ્તારમાં કાર્યરત થઈ શકશે.

રાજનૈતિક ખેંચતાણ અને સાઉદીનું વલણ:

વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, આ અઠવાડિયે રવિવારે જ્યારે ટ્રમ્પે આ ઓપરેશનની જાહેરાત કરી ત્યારે સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન (MBS) આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ટ્રમ્પ અને MBS વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી, પરંતુ શરૂઆતમાં કોઈ સહમતી બની શકી નહોતી. તેનાથી અમેરિકા અને સાઉદી વચ્ચેના દાયકાઓ જૂના સુરક્ષા કરાર તૂટવાનો ભય ઊભો થયો હતો. જોકે, બદલાતી પરિસ્થિતિમાં સાઉદીએ ટ્રમ્પને વધુ નારાજ ન કરવાનું નક્કી કર્યું હોય તેવું જણાય છે.

ઈરાન પર 'સુપર એટેક' ની શક્યતા?

હવે જ્યારે યુએસ ફાઈટર જેટ્સ સાઉદી અને કુવૈતની ધરતી પરથી ઉડાન ભરી શકશે, ત્યારે ઈરાન માટે ખતરો અનેકગણો વધી ગયો છે. પેન્ટાગોનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ અઠવાડિયાના અંત સુધીમાં ઓપરેશન ફરી શરૂ થઈ શકે છે. આ માત્ર જહાજોની સુરક્ષા પૂરતું સીમિત રહેશે કે ઈરાનના લશ્કરી ઠેકાણાઓ પર મોટા હુમલાની તૈયારી છે, તે જોવું રહ્યું.

આ પણ વાંચોઃ અનોખું રેલ્વે સ્ટેશન! ટિકીટ વિન્ડો મહારાષ્ટ્રમાં તો સ્ટેશન માસ્ટરની ઓફિસ ગુજરાતમાં, જાણો આમને સેલરી કોણ આપે છે?