ધમાકેદાર આર્થિક અને કોર્પોરેટ જગતમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિશ્વના સૌથી દિગ્ગજ રોકાણકાર અને પરોપકારી વોરેન બફેટે (Warren Buffett) બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનને (Gates Foundation) આપવામાં આવતું પોતાનું વાર્ષિક અબજો ડોલરનું દાન હાલ પૂરતું અટકાવી દીધું છે. મીડિયા અહેવાલો અનુસાર, બફેટ આ નિર્ણય પર ત્યાં સુધી રોક લગાવી રહ્યા છે જ્યાં સુધી ગેટ્સ ફાઉન્ડેશન અને તેના સહ-સ્થાપક બિલ ગેટ્સના દિવંગત સેક્સ અપરાધી જેફરી એપસ્ટીન (Jeffrey Epstein) સાથેના સંબંધોની ચાલી રહેલી બાહ્ય તપાસનો રિપોર્ટ સામે ન આવી જાય.

 છેલ્લા બે દાયકામાં 3.9 લાખ કરોડનું દાન આપ્યું 

95 વર્ષીય બર્કશાયર હેથવેના ચેરમેન વોરેન બફેટે છેલ્લા બે દાયકામાં ગેટ્સ ફાઉન્ડેશનને આશરે 47 અબજ ડોલર (રૂ. 3.9 લાખ કરોડથી વધુ) નું દાન આપ્યું છે. દર વર્ષે જૂન મહિનાની આસપાસ બફેટ પોતાના શેરનું દાન કરતા હોય છે, પરંતુ આ વર્ષે તેમણે આ પરંપરા પર બ્રેક લગાવી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બફેટ હવે આ વર્ષના અંતમાં અથવા થેંક્સગિવિંગ લેટર દરમિયાન દાન આપવા અંગેનો અંતિમ નિર્ણય લઈ શકે છે.

એપસ્ટીન પર માનવ તસ્કરીના આરોપો 

આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે અમેરિકાના ન્યાય વિભાગ (DOJ) દ્વારા જાહેર કરાયેલી ફાઇલો અને ઇમેઇલ્સમાં ખુલાસો થયો કે બિલ ગેટ્સ અને ફાઉન્ડેશનના સ્ટાફે જેફરી એપસ્ટીન સાથે મુલાકાતો કરી હતી. એપસ્ટીન વર્ષ 2019માં જેલમાં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ પામ્યો હતો અને તેના પર સગીરાઓના યૌન શોષણ અને માનવ તસ્કરીના ગંભીર આરોપો હતા. આ ખુલાસા બાદ ગેટ્સ ફાઉન્ડેશનના સીઈઓ માર્ક સુઝમેને ભૂતકાળના આ કનેક્શનની તપાસ કરવા માટે એક એક્સટર્નલ કમિટી નીમી છે, જેનો રિપોર્ટ આ ઉનાળામાં આવવાનો છે.

બિલ ગેટ્સની સ્પષ્ટતા

એક ઈન્ટરવ્યુમાં વોરેન બફેટે સ્વીકાર્યું હતું કે, "જ્યારથી આ સમગ્ર વિવાદ સામે આવ્યો છે, ત્યારથી મેં બિલ ગેટ્સ સાથે કોઈ વાતચીત કરી નથી. હું એ જોવા માંગું છું કે તપાસમાં શું બહાર આવે છે." જોકે, બિલ ગેટ્સે વારંવાર સ્પષ્ટતા કરી છે કે એપસ્ટીન સાથે તેમની મુલાકાતો માત્ર ચેરિટી અને ફંડ રેઇઝિંગના હેતુથી હતી અને તેમને આ સંગઠિત ગુનાખોરીની કોઈ જાણ નહોતી. તેમ છતાં, પારદર્શિતાના આગ્રહી બફેટે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી અંતર જાળવવાનું યોગ્ય માન્યું છે. બફેટના આ નિર્ણયથી વૈશ્વિક પરોપકાર અને બિઝનેસ સેક્ટરમાં ભારે ચર્ચા જાગી છે.

આ પણ વાંચો:France માં હીટવેવનો કાળો કહેર, અંતિમ સંસ્કાર માટે પણ જગ્યાઓ ખૂટી પડી!