પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં સુરક્ષા પરિસ્થિતિ ફરી એક વખત ગંભીર બની છે. બલુચ લિબરેશન આર્મી (BLA) નામના બળવાખોર સંગઠને “ઓપરેશન હારુફ”ના બીજા તબક્કાની જાહેરાત કરીને એકસાથે 48 પાકિસ્તાની લશ્કરી ઠેકાણાઓ પર હુમલા કર્યા હોવાનો દાવો કર્યો છે. આ હુમલાઓ શુક્રવાર રાતથી શનિવાર સુધી ચાલ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે.

84 જવાનો માર્યા ગયા

અહેવાલો અનુસાર, આ સંકલિત હુમલાઓમાં પાકિસ્તાની સેના અને સુરક્ષા દળોના કુલ 84 જવાનો માર્યા ગયા છે. સંગઠનના પ્રવક્તા જિયાંદ બલોચે આ હુમલાઓને “કબજા કરનારી શક્તિઓ સામેનો નિર્ણાયક પ્રતિકાર” ગણાવ્યો છે. અહેવાલ મજૂબ પંજગુર અને હરનાઈમાં 41 બલુચ લડવૈયાઓના મોત બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

BLAના દાવાઓને નકારી કાઢ્યા

બીજી તરફ, પાકિસ્તાન સરકાર અને બલુચિસ્તાન પ્રાંતના અધિકારીઓએ BLAના દાવાઓને નકારી કાઢ્યા છે. બલુચિસ્તાન સરકારના પ્રવક્તા શાહિદ રિંદના જણાવ્યા અનુસાર, સુરક્ષા દળોએ વિવિધ ઓપરેશનમાં 70 બળવાખોરોને ઠાર માર્યા છે, જ્યારે 10 સુરક્ષા કર્મચારીઓના મોત થયા હોવાનું સત્તાવાર રીતે સ્વીકારવામાં આવ્યું છે.

 બળવાખોરોએ કુલ 12 જેટલા સ્થળોએ હુમલાઓ

સરકારી માહિતી મુજબ, બળવાખોરોએ કુલ 12 જેટલા સ્થળોએ હુમલાઓ કર્યા હતા, જેમાં સુરક્ષા દળો ઉપરાંત સરકારી એજન્સીઓ અને કેટલાક નાગરિકો પણ નિશાન બન્યા હતા. આ હુમલાઓ ક્વેટા, ગ્વાદર, મકરાન, હબ, ચમન અને નસિરાબાદ જેવા વિસ્તારોમાં નોંધાયા હતા. કેટલાક સ્થળોએ પોલીસ, બોર્ડર સુરક્ષા દળ અને નાગરિક વિસ્તારો પર પણ હુમલા થયા હોવાનું જણાવાયું છે.

શુક્રવાર રાત્રે શરૂ થયેલું સુરક્ષા અભિયાન

બલુચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાઝ બુગતીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે શુક્રવાર રાત્રે શરૂ થયેલું સુરક્ષા અભિયાન શનિવાર સાંજ સુધી ચાલુ રહ્યું હતું. તેમના જણાવ્યા મુજબ, સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે સુરક્ષા દળો સંપૂર્ણ સતર્કતા સાથે કામ કરી રહ્યા છે.

 સુરક્ષા દળો પહેલેથી જ એલર્ટ પર

આ તરફ સંઘીય માહિતી મંત્રી અતાઉલ્લાહ તરારએ જીઓ આપેલા નિવેદનમાં કહ્યું હતું કે સુરક્ષા દળો પહેલેથી જ એલર્ટ પર હતા, જેના કારણે અનેક હુમલાઓને નિષ્ફળ બનાવવામાં સફળતા મળી. તેમણે આ પણ જણાવ્યું કે ગ્વાદર વિસ્તારમાં નાગરિકોની હત્યાની ઘટના અંગે તપાસ ચાલી રહી છે.

 BLAએ “ઓપરેશન હારુફ”નો પ્રથમ તબક્કો

ઉલ્લેખનીય છે કે BLAએ “ઓપરેશન હારુફ”નો પ્રથમ તબક્કો ઓગસ્ટ 2024ના અંતમાં શરૂ કર્યો હતો. તે સમયે સંગઠનનું લક્ષ્ય બલુચિસ્તાનના મુખ્ય હાઇવે, લશ્કરી છાવણીઓ અને સુરક્ષા સ્થાપનો હતા. હાલ બીજા તબક્કામાં હુમલાઓ વધુ વ્યાપક અને સંકલિત રીતે કરવામાં આવી રહ્યા હોવાનું જોવાઈ રહ્યું છે. બલુચિસ્તાનમાં લાંબા સમયથી ચાલતા અસંતોષ, સુરક્ષા અભાવ અને હિંસક ઘટનાઓને કારણે સમગ્ર વિસ્તારમાં તણાવપૂર્ણ વાતાવરણ યથાવત છે. હાલ પરિસ્થિતિ પર સ્થાનિક અને સંઘીય સરકાર બંને નજીકથી નજર રાખી રહી છે.

આ પણ વાંચો : India oil deal : ભારત હવે ઈરાન નહીં, વેનેઝુએલાથી તેલ ખરીદશે? ટ્રમ્પનો મોટો દાવો