બ્રિટનના ઓલ્ડબરી શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઓલ્ડબરીના ટેમ રોડ નજીક બે પુરુષો દ્વારા 20 વર્ષીય શીખ યુવતી પર દુષ્કર્મ ગુજારાતા ખળભળાટ મચી ગયો છે. આ યુવતી ને જાતિગત ટિપ્પણીઓ પણ કરવામાં આવી હતી. પીડિતાના જણાવ્યા અનુસાર, તેણીને તેના દેશમાં પાછા જવાનું કહેવામાં આવ્યું હતું. આ ઘટના ગયા મંગળવારે સવારે 8:30 વાગ્યે બની હતી. પોલીસ આ ઘટનાને જાતિગત આધાર પર કરવામાં આવેલ ગુનો માની રહી છે.
ઘટનાથી સ્થાનિક શીખ સમુદાયમાં રોષ
આ કેસમાં પોલીસ દ્વારા સીસીટીવી અને ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે. અહેવાલો અનુસાર, બંને આરોપીઓની ઓળખ ગોરા પુરુષો તરીકે કરવામાં આવી છે. તેમાંથી એકનું માથું મુંડન કરેલું હતું અને તેણે ઘેરા રંગનો સ્વેટશર્ટ પહેર્યો હતો, જ્યારે બીજા શંકાસ્પદે ગ્રે રંગનો ટોપ પહેર્યો હોવાનો આક્ષેપ છે. આ ઘટનાથી સ્થાનિક શીખ સમુદાયમાં રોષ ફેલાયો છે. સ્થાનિક વરિષ્ઠ પોલીસ અધિકારીએ ખાતરી આપી હતી કે તે વિસ્તારમાં પેટ્રોલિંગ વધારશે.













