અમેરિકામાં કામ કરતા H-1B વિઝા ધારકો માટે આ સમય ખૂબ જ મુશ્કેલી ભર્યો દિવસો છે. એક તરફ કાઢી મૂકવામાં આવેલા કર્મચારીઓને નવી નોકરી શોધવા અથવા વિઝા સ્ટેટસ બદલવા માટે 60 દિવસનો ગ્રેસ પીરિયડ આપવામાં આવ્યો છે તો બીજી તરફયુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS)એ આ સમયગાળામાં જ નોટિસ ટુ અપિયર (NTA) મોકલવાનું શરૂ કરી દીધું છે.


રિપોર્ટ મુજબ, અમેરિકામાં ભારતીયોને સૌથી વધુ H-1B વિઝા આપવામાં આવે છે. 2023માં જે H-1B વિઝા ધારકોની અરજીઓ મંજૂર કરવામાં આવી હતી તેમાંથી લગભગ ત્રણ ચતુર્થાંશ (73%) ભારતના હતા. ફક્ત 12 ટકા સાથે ચીન બીજા ક્રમે હતું. આ NTA દેશનિકાલની કાર્યવાહીનો પ્રથમ તબક્કો છે અને સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિ યુએસમાં ગેરકાયદેસર રીતે રહે છે ત્યારે જારી કરવામાં આવે છે પરંતુ હવે આ નોટિસ એવા લોકોને પણ મળી રહી છે જેમની પાસે સમયસર ફાઇલ કરાયેલી વિઝા સ્ટેટસ ચેન્જ અરજીઓ પેન્ડિંગ છે.

NTA એટલે શું?

NTA એટલે કે નોટિસ ટુ અપિયર એ એક કાનૂની દસ્તાવેજ છે જે ઇમિગ્રેશન કોર્ટમાં હાજર થવા માટે મોકલવામાં આવે છે. જ્યારે આ નોટિસ મળે છે ત્યારે તે દર્શાવે છે કે વ્યક્તિ સામે દેશનિકાલની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ હેઠળ ગેરકાયદેસર હાજરી માટે કાર્યવાહી શરૂ થાય છે. તમને વિઝા સમય મર્યાદા લંબાવવામાં અથવા ગ્રીન કાર્ડ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય ભવિષ્યમાં અમેરિકામાં પ્રવેશ પર 3 કે 10 વર્ષનો પ્રતિબંધ પણ લાગી શકે છે.

અમેરિકામાં H-1B વિઝા અંગેના નિયમો

અમેરિકાની સરકાર H-1B વિઝા આપવાની પ્રક્રિયામાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કરવા જઈ રહી છે. આ સંદર્ભમાં ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS)એ ભારિત પસંદગી પ્રક્રિયાનો પ્રસ્તાવ મૂક્યો છે. જેમાં લોટરી સિસ્ટમને બદલે તે અરજદારોને તક આપવામાં આવશે જેમની પ્રોફાઇલ વધુ સારી છે. તમને જણાવી દઈએ કે અમેરિકામાં H-1B વિઝા ધારકોમાં સૌથી વધુ સંખ્યા ભારતીયો છે. આ કારણે નવા ફેરફારની સૌથી વધુ અસર ભારતીયો પર પડશે.


  • Follow us on: