1996નો ગંગા જળ વહેંચણી કરાર ડિસેમ્બર 2026માં સમાપ્ત થશે. બાંગ્લાદેશની માંગ છે કે, ભારત નવી સંધિ પર વાતચીત શરૂ કરે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો

બાંગ્લાદેશની શાસક પાર્ટી BNPએ ભારત સાથે ગંગા જળ કરાર અંગે નિવેદન જાહેર કર્યું છે. પાર્ટીએ કહ્યું છે કે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો નવા ગંગા જળ વહેંચણી કરાર પર આધારિત રહેશે. BNPએ માંગ કરી છે કે, ભારત જલ્દી વાટાઘાટો શરૂ કરે. 1996માં હસ્તાક્ષર કરાયેલા ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ગંગા જળ વહેંચણી કરાર ડિસેમ્બર 2026માં સમાપ્ત થવાનો છે.

સંબંધો નવા ગંગા કરાર પર આધારિત

BNPના મહાસચિવ મિર્ઝા ફખરુલ ઇસ્લામ આલમગીરે જણાવ્યું હતું કે, બાંગ્લાદેશના લોકોની જરૂરિયાતો અને અપેક્ષાઓ અનુસાર ટૂંક સમયમાં નવો કરાર થવો જોઈએ. તેમણે કહ્યું કે ભારત સાથે સારા સંબંધો મોટાભાગે નવા ગંગા કરાર અથવા ફરક્કા કરાર પર આધારિત રહેશે. આલમગીરે કહ્યું કે, ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાના સરકાર દરમિયાન થયેલા વર્તમાન 30 વર્ષ જૂના કરારના ભવિષ્ય અંગે જાહેર ચિંતા વધી રહી છે.

બાંગ્લાદેશ બેરેજ પ્રોજેક્ટને મંજૂરી

બીએનપીનું નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે બાંગ્લાદેશ સરકારે પદ્મ નદી પર મોટા બેરેજ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. સરકાર કહે છે કે આ પ્રોજેક્ટ ભારતના પશ્ચિમ બંગાળમાં ફરક્કા બેરેજની અસરને ઘટાડવામાં મદદ કરશે. આ પ્રોજેક્ટ 2033 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. બાંગ્લાદેશના જળ સંસાધન મંત્રી, શાહિદુદ્દીન ચૌધરી અનીએ જણાવ્યું હતું કે, પદ્મ બેરેજ બાંગ્લાદેશના હિતનો વિષય છે અને તેને ભારત સાથે ચર્ચા કરવાની જરૂર નથી.

ફરક્કા બેરેજ સામે બાંગ્લાદેશનો વાંધો

ભારતનો ફરક્કા બેરેજ 2,240 મીટર લાંબો છે અને કોલકાતા બંદરને કાર્યરત રાખવા માટે બનાવવામાં આવ્યો હતો. બાંગ્લાદેશ લાંબા સમયથી આરોપ લગાવી રહ્યું છે કે, ફરક્કા બેરેજ સૂકા મૌસમ દરમિયાન પાણી પુરવઠો ઘટાડે છે. જેનાથી ખેતી અને પર્યાવરણ પર અસર પડે છે. ભારતનું કહેવું છે કે બંને દેશો વાતચીત અને કરારો દ્વારા પાણી વહેંચણીના મુદ્દાઓનું નિરાકરણ લાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ NEET Paper Leak 2026 News: વનસ્પતિશાસ્ત્રના પ્રોફેસર મનીષ મંધારેને મોકલાઇ 14 દિવસના CBI કસ્ટડીમાં