યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાના આક્રમક આર્થિક નિર્ણયોથી સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો છે. અમેરિકન સુપ્રીમ કોર્ટ દ્વારા અગાઉના ટેરિફને ગેરકાયદે ઠેરવ્યાના ગણતરીના કલાકોમાં જ ટ્રમ્પે વળતો પ્રહાર કરીને ગ્લોબલ ટેરિફને 10 ટકાથી વધારીને 15 ટકા કરવાની જાહેરાત કરી છે.


કોર્ટના ઝટકા બાદ ટ્રમ્પનો 'પ્લાન-બી'

તાજેતરમાં યુએસ સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના અગાઉના ટેરિફને સત્તાની બહાર ગણાવી રદ કર્યા હતા. જોકે, ટ્રમ્પે પીછેહઠ કરવાને બદલે કાયદાકીય માર્ગ અપનાવ્યો છે. તેમણે 'સેક્શન 122' હેઠળ મળતી વિશેષ સત્તાનો ઉપયોગ કરીને નવા ટેરિફ લાદી દીધા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે, આ વધારો આગામી મહિનાઓમાં તબક્કાવાર રીતે અમલી બનાવવામાં આવશે.

"અમેરિકાને ફરી મહાન બનાવવાનું લક્ષ્ય"

પોતાના આકરા નિર્ણય પાછળનું કારણ જણાવતા ટ્રમ્પે કહ્યું કે, દાયકાઓથી ઘણા દેશો અમેરિકાનો આર્થિક ફાયદો ઉઠાવી રહ્યા છે, જે હવે ચલાવી લેવામાં આવશે નહીં. 'Make America Great Again' ના સૂત્રને દોહરાવતા તેમણે ઉમેર્યું કે, અમેરિકાના આર્થિક હિતોનું રક્ષણ કરવા માટે આ પગલું લેવું અનિવાર્ય હતું.

ભારત સહિત વિશ્વના બજારોમાં ટ્રેડ-વોરની ભીતિ

ટ્રમ્પના આ નિર્ણયની સીધી અસર ભારત જેવા મોટા વ્યાપારી ભાગીદારો પર પડશે. આયાત શુલ્ક વધવાથી વસ્તુઓ મોંઘી થશે અને વૈશ્વિક સ્તરે 'ટ્રેડ વોર' શરૂ થવાની પ્રબળ શક્યતા છે. ચીન અને યુરોપિયન યુનિયન જેવા દેશો પણ અમેરિકા સામે વળતા પગલાં લઈ શકે છે, જેનાથી આંતરરાષ્ટ્રીય બજારમાં અનિશ્ચિતતાનો માહોલ સર્જાયો છે.


આ પણ વાંચો - US military operation : પ્રશાંત મહાસાગરમાં યુએસ સેનાનો હુમલો, ડ્રગ્સ બોટ પર કાર્યવાહી, 3નાં મોત


  • Follow us on: