વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કની સંપત્તિમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. થોડા સમય માટે દુનિયાના પ્રથમ ટ્રિલિયન ડોલરથી વધુ સંપત્તિ ધરાવતા વ્યક્તિ બનેલા મસ્કની નેટવર્થમાં આશરે 600 અબજ ડોલરનો ઘટાડો થયો છે. હાલ તેમની કુલ સંપત્તિ લગભગ 684 અબજ ડોલર રહી છે.
મસ્કની સંપત્તિમાં આવેલા આ મોટા ઘટાડાનું મુખ્ય કારણ તેમની કંપની SpaceXના શેરમાં થયેલો ભારે ઘટાડો માનવામાં આવી રહ્યો છે. કંપનીના શેર પોતાના સર્વોચ્ચ સ્તરથી લગભગ 46 ટકા ઘટીને 108.37 ડોલર પ્રતિ શેર સુધી પહોંચી ગયા છે. 16 જૂને SpaceXના શેર 202 ડોલર પ્રતિ શેરના રેકોર્ડ સ્તરે પહોંચ્યા હતા, ત્યારે મસ્કની કુલ સંપત્તિ લગભગ 1.33 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી હતી.
IPO દ્વારા મોટી રકમ એકત્ર કરી
SpaceXએ તેના IPO દ્વારા ઈતિહાસમાં સૌથી મોટી રકમ તરીકે 75 અબજ ડોલર એકત્ર કર્યા હતા. લિસ્ટિંગ બાદ કંપનીના શેરમાં શરૂઆતના દિવસોમાં જોરદાર તેજી જોવા મળી હતી, પરંતુ ત્યારબાદ તેમાં મોટો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત ઈલેક્ટ્રિક વાહન કંપની Teslaના નબળા ત્રિમાસિક પરિણામો પણ મસ્કની સંપત્તિ ઘટવાનું એક મોટું કારણ બન્યા છે. 22 જુલાઈએ જાહેર થયેલા પરિણામો બાદ Teslaના શેરમાં 17 ટકાનો ઘટાડો થયો હતો. કંપની બે વર્ષથી વધુ સમય પછી પહેલીવાર નફાના અંદાજને પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી હતી અને નેગેટિવ ફ્રી કેશ ફ્લો નોંધાવ્યો હતો.
શેરના ભાવ પર વધુ અસર થવાની આશંકા
જો ભારતીય અબજોપતિઓ સાથે સરખામણી કરવામાં આવે તો મસ્કની સંપત્તિમાં થયેલું નુકસાન ભારતના ટોચના બે ઉદ્યોગપતિઓની કુલ સંપત્તિ કરતાં પણ ઘણું વધારે છે. ભારતના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની સંપત્તિ લગભગ 112 અબજ ડોલર અને મુકેશ અંબાણીની સંપત્તિ આશરે 87 અબજ ડોલર છે. આગામી સમયમાં SpaceXના શેર પર વધુ દબાણ આવી શકે છે, કારણ કે મોટી સંખ્યામાં શેરના લોક-ઇન સમયગાળાની સમાપ્તિ બાદ બજારમાં ઉપલબ્ધ થવાની શક્યતા છે. આથી શેરના ભાવ પર વધુ અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો :EPFO: PF ખાતામાંથી પૈસા ઉપાડવા થયા સરળ, હવે માત્ર 2 દિવસમાં ખાતમાં આવી જશે પૈસા