વૈશ્વિક મોંઘવારીના દબાણ વચ્ચે નવેમ્બર મહિનો ગ્રાહકો માટે રાહતરૂપ સાબિત થયો છે. સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન (FAO) અનુસાર, વિશ્વ સ્તરે ખાદ્ય કિંમતોમાં સતત ત્રીજા મહિને ઘટાડો નોંધાયો છે. દૂધ, તેલ, ખાંડ અને માંસ જેવી મુખ્ય વસ્તુઓ સસ્તી થઈ છે, જ્યારે અનાજ સમૂહમાં વધારો જોવા મળ્યો છે. FAOનો વૈશ્વિક ખાદ્ય મૂલ્ય સૂચકાંક નવેમ્બરમાં 125.1 પોઈન્ટ રહ્યો, જે ઓક્ટોબર 2025ની સરખામણીમાં 1.2 ટકા ઓછો છે અને માર્ચ 2022ના રેકોર્ડ સ્તરથી લગભગ 22 ટકા નીચે આવી ગયો છે.
મુખ્ય વસ્તુઓની સ્થિતિ
દૂધ, તેલ, ખાંડ અને માંસ જેવી મુખ્ય શ્રેણીઓમાં કિંમતો ઘટી છે, જેણે ગ્રાહકોને મોટી રાહત આપી છે. અનાજ મૂલ્ય સૂચકાંક ઓક્ટોબરની તુલનામાં 1.8 ટકા વધ્યો છે, જોકે તે હજૂ પણ ગયા વર્ષની સરખામણીમાં 5.3 ટકા નીચે છે. વૈશ્વિક સ્તરે ઘઉંના ભાવમાં 2.5 ટકાનો વધારો થયો, જેનું કારણ ચીન દ્વારા મોટો આયાત, બ્લેક સી ક્ષેત્રમાં તણાવ અને રશિયામાં ઓછા વાવેતરનો અંદાજ છે. મકાઈના ભાવ બ્રાઝિલમાં મજબૂત માંગ અને આર્જેન્ટિના-બ્રાઝિલમાં પુરવઠામાં અવરોધને કારણે વધ્યા છે.
