માઇક્રોસોફ્ટ બાદ હવે ગૂગલે પણ પોતાના કર્મચારીઓને નોકરી છોડવાના બદલામાં મોટી રકમ આપવાની ઑફર કરી છે. કંપની આગામી સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ક્ષેત્રે રોકાણ વધારવા માગે છે. આ માટે ખર્ચ ઘટાડવાના ભાગરૂપે કર્મચારીઓ માટે સ્વૈચ્છિક નોકરી છોડવાની યોજના શરૂ કરવામાં આવી છે.

રોયટર્સના અહેવાલ મુજબ, ગૂગલે તાજેતરમાં પોતાના કર્મચારીઓ માટે 'બાયઆઉટ ઑફર' રજૂ કરી છે. આ યોજના હેઠળ કર્મચારીઓને નોકરી છોડવાના બદલામાં ખાસ પેકેજ આપવામાં આવશે. કંપનીએ આ ઑફરનો વિસ્તાર અન્ય દેશોમાં પણ કરવાનો નિર્ણય લીધો છે.

આ દેશોના કર્મચારીઓને અપાઈ ઑફર

ગૂગલની મૂળ કંપની આલ્ફાબેટે રોયટર્સ સાથેની વાતચીતમાં આ સમાચારની પુષ્ટિ કરી છે. કંપનીએ જણાવ્યું કે કેનેડા, ફ્રાન્સ, જર્મની, જાપાન અને સ્વિટ્ઝર્લૅન્ડમાં કામ કરતા કર્મચારીઓ માટે સ્વૈચ્છિક નોકરી છોડવાના પેકેજની શરૂઆત કરવામાં આવી છે.

https://x.com/Reuters/status/2117914800680309240?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2117914800680309240%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

શું કહ્યું કંપનીએ?

રોયટર્સ સાથે વાતચીત દરમિયાન ગૂગલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, "વર્ષ 2025માં અમારી કેટલીક ટીમોએ નોકરી છોડવા પર મળતી રકમ સાથે સ્વૈચ્છિક એક્ઝિટ પ્રોગ્રામ શરૂ કર્યો હતો. આ વર્ષે ઉનાળામાં, જૂન મહિનામાં, ભવિષ્યનાં મહત્ત્વનાં કાર્યોને આગળ વધારવા માટે અમે આ કાર્યક્રમનો વિસ્તાર વૈશ્વિક સ્તરે કેટલાક દેશોમાં કર્યો છે."

જેમ કે, સ્વિટ્ઝર્લેન્ડમાં આ યોજના હેઠળ નોકરી છોડવા માટે સંમત થયેલા કર્મચારીઓને તેમની નોકરીના દરેક વર્ષના બદલામાં એક મહિનાનો પગાર આપવામાં આવ્યો હતો. જોકે, આ પેકેજની મહત્તમ મર્યાદા 12 મહિનાના પગારની રાખવામાં આવી હતી.

શું ભારતના કર્મચારીઓ પર પણ પડશે અસર?

હાલમાં જે દેશોનાં નામ સામે આવ્યાં છે, તેમાં ભારતનો સમાવેશ થતો નથી. ભારતીય કર્મચારીઓને અત્યારે નોકરી છોડવાના બદલામાં કોઈ ખાસ પેકેજ આપવાની ઑફર કરવામાં આવી નથી. જોકે, ભવિષ્યમાં કંપની આ યોજનાનો વિસ્તાર કરે તો તેની અસર ભારતીય કર્મચારીઓ પર પણ પડી શકે છે.

ગૂગલે આ પગલું એવા સમયે ભર્યું છે, જ્યારે તે અને અન્ય મોટી ટેક કંપનીઓ AI ક્ષેત્રે મોટું રોકાણ કરી રહી છે. AI પાછળ વધતા ખર્ચને કારણે વૉલ સ્ટ્રીટમાં ચિંતા વધી છે અને આલ્ફાબેટના શેરના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે.

માઇક્રોસોફ્ટે પણ કર્મચારીઓને આપી હતી ઑફર

ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે બીજી મોટી ટેક કંપની માઇક્રોસોફ્ટે પણ પોતાના કર્મચારીઓને નોકરી છોડવાના બદલામાં આકર્ષક પેકેજ આપવાની ઑફર કરી હતી. કંપનીએ આશરે 60,000 કર્મચારીઓને 'બાયઆઉટ કોન્ટ્રાક્ટ' આપ્યા હતા. તેમાં ભારતના કર્મચારીઓનો પણ સમાવેશ થતો હતો.

માઇક્રોસોફ્ટે પણ AI ક્ષેત્રે પોતાના કામકાજનો વિસ્તાર કરવા અને ખર્ચમાં ઘટાડો કરવાના હેતુથી આ પગલું ભર્યું હતું.