વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ હાલમાં ન્યુઝીલેન્ડના પ્રવાસે છે, ત્યારે તેમને FTA અંગે વિશ્વને એક મજબૂત અને ગંભીર સંકેત આપ્યો છે. તેમણે બુધવારે કહ્યું કે ભારતે હંમેશા તમામ મુક્ત વેપાર કરારો (FTA)માં ડેરી, કૃષિ અને સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) જેવા સંવેદનશીલ ક્ષેત્રોના હિતોનું રક્ષણ કર્યું છે અને આ અંગે કોઈ સમાધાન કરશે નહીં.
ન્યુઝીલેન્ડ વિશ્વનો અગ્રણી ડેરી ઉત્પાદક દેશ
ગોયલે એમ પણ કહ્યું કે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રસ્તાવિત વેપાર કરાર પર વાટાઘાટોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. બંને દેશોના વરિષ્ઠ અધિકારીઓ હાલમાં વાટાઘાટોનો ચોથો રાઉન્ડ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ભારત ડેરી, ખેડૂતો અને સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) ના હિત સાથે ક્યારેય સમાધાન કરતું નથી. અમે હંમેશા આ સંવેદનશીલ ક્ષેત્રોના હિતોનું રક્ષણ કરીએ છીએ. ન્યુઝીલેન્ડ વિશ્વનો અગ્રણી ડેરી ઉત્પાદક દેશ છે અને આ ક્ષેત્રમાં બજાર પ્રવેશ વધારવાની તેની માગ અંગે ભારતનું વલણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ન્યુઝીલેન્ડની ચાર દિવસની સત્તાવાર મુલાકાતે વેલિંગ્ટન પહોંચેલા ગોયલે પત્રકારોને જણાવ્યું હતું કે બંને દેશો વેપાર કરારોમાં એકબીજાની સંવેદનશીલતાનો આદર કરવા સંમત થયા છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે ભારતે હજુ સુધી કોઈપણ વેપાર કરારમાં ડેરી અથવા કૃષિ ક્ષેત્રે ભાગીદાર દેશને ટેરિફ છૂટછાટ આપી નથી. તેમણે કહ્યું, "અમે આવા મુદ્દાઓને સ્પર્શતા નથી. અમે એકબીજાની સંવેદનશીલતાનો આદર કરીએ છીએ."
