ઈરાન યુદ્ધ અને હોર્મુઝ સામુદ્રધુનીના બ્લોકેજને કારણે સમગ્ર વિશ્વના દરિયાઈ પરિવહનમાં ખળભળાટ મચી ગયો છે. બ્લૂમબર્ગ દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, આ કટોકટીમાં અમેરિકા કરતાં યુએઈ (UAE), ગ્રીસ અને ચીન જેવા દેશોની શિપિંગ કંપનીઓને સૌથી મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે.

કયા દેશના કેટલા જહાજો ફસાયા?

હોર્મુઝની પશ્ચિમમાં અટવાયેલા આશરે 670 માલવાહક જહાજોના ડેટા વિશ્લેષણ પરથી ચોંકાવનારી વિગતો સામે આવી છે. સંયુક્ત આરબ અમીરાત (UAE) સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. તેના કુલ જહાજોના 18 ટકા એટલે કે 120 જહાજો છે. જ્યારે ગ્રીસ યાદીમાં બીજા ક્રમે છે. ગ્રીક કંપનીઓના 75 જહાજો ત્યાં અટવાયેલા છે, જેમાં 30 જેટલા તેલ અને ગેસ ટેન્કર છે. ચીનના 74 જહાજો આ ક્ષેત્રમાં છે, જેમાંથી 25 તેલ-ગેસના ટેન્કર છે અને બાકીના કન્ટેનર જહાજો છે. જાપાનના 39 અને હોંગકોંગના 25 જહાજો આ જોખમી વિસ્તારમાં હાજર છે.

ભારતની સ્થિતિ

ભારતીય કંપનીઓના 24 જેટલા તેલ અને ગેસ જહાજો આ વિસ્તારમાં ફસાયેલા છે. જોકે, રાહતની વાત એ છે કે, યુદ્ધ દરમિયાન ભારત સાથે જોડાયેલા 13 જહાજો આ વિસ્તારમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે, ઈરાન સાથેના મૈત્રીપૂર્ણ સંબંધોને કારણે ભારત જેવા દેશોના જહાજોને 'સેફ પેસેજ' (સુરક્ષિત માર્ગ) મળી રહ્યો છે.

તેલ અને ગેસના પુરવઠા પર જોખમ

હોર્મુઝમાં હાલમાં 50 વિશાળ ક્રૂડ ઓઈલ કેરિયર્સ (VLCC) અને 11 ગેસ કેરિયર્સ ફસાયેલા છે. જો આ નાકાબંધી લાંબી ચાલશે, તો એશિયાઈ દેશોમાં ક્રુડ ઓઈલના ભાવમાં મોટો ઉછાળો આવી શકે છે. દક્ષિણ કોરિયાના 7, ચીન-જાપાનના 6-6 અને ગ્રીસના 5 વિશાળ ટેન્કરો ત્યાં સ્થગિત છે.

કોને નિશાન બનાવવામાં આવ્યા?

રિપોર્ટ અનુસાર, અત્યાર સુધી જે જહાજો પર હુમલા થયા છે અથવા શંકાસ્પદ ગતિવિધિ નોંધાઈ છે, તેમાંથી અડધાથી વધુ જહાજો યુરોપ અથવા અમેરિકા સાથે જોડાયેલા હતા. વીમાના વધતા દરો અને જીવના જોખમને કારણે સેંકડો જહાજો હાલમાં યુદ્ધ વિરામની રાહ જોઈ રહ્યા છે.


આ પણ વાંચો - Iran War: યુદ્ધમાં ઈરાનને ખુલ્લેઆમ ટેકો આપનાર સ્પેન હવે ફસાયુ મુશ્કેલીમાં, અમેરિકાએ કરી લાલ આંખ