અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની નિકટતાને કારણે Nvidiaના CEO જેન્સન હુઆંગે ચીનને AI ચિપ્સની નિકાસ કરવાની મંજૂરી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જોકે, તેમની આ ભૂમિકાને કારણે અમેરિકાના વહીવટી તંત્રમાં વિવાદ અને ટીકા વધી હતી. ખાસ કરીને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા અધિકારીઓએ તેમના પ્રભાવ સામે સવાલો ઉઠાવ્યા હતા.
દુનિયાની અગ્રણી ટેક કંપનીઓમાં સ્થાન ધરાવતી Nvidiaને ઊભી કરનાર CEO જેન્સન હુઆંગનો અમેરિકાના રાજકારણમાં પણ પ્રભાવ વધી રહ્યો હતો. અમેરિકામાં તેમનો પ્રભાવ AI ઉદ્યોગમાં તેમની તાકાત જેટલો જ મહત્ત્વનો બની ગયો હતો. હુઆંગની અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સુધી સીધી પહોંચ હતી.
હુઆંગે ટ્રમ્પને અદ્યતન AI ચિપ્સ ચીનને વેચવાની મંજૂરી આપવા માટે પણ મનાવી લીધા હતા. અમેરિકામાં આ મુદ્દે ચર્ચા ચાલી રહી હતી કે અમેરિકાની ટેકનોલોજીને ચીનથી દૂર રાખવી કે પછી ચીનને અમેરિકન કંપનીઓ પર નિર્ભર બનાવવા માટે તેનો ઉપયોગ કરવો. આ ચર્ચામાં હુઆંગનો અભિપ્રાય મહત્ત્વનો બની ગયો હતો. જોકે, ટ્રમ્પ સાથેની તેમની નિકટતાને કારણે તેઓ પોતે પણ ટીકા અને નિશાનનો સામનો કરવા લાગ્યા હતા.
ટ્રમ્પ પર હુઆંગનો પ્રભાવ ખતમ કરવા માગતા હતા અધિકારીઓ
આ વિવાદ પાછળ ટેકનોલોજી કંપનીઓ અને ચીન સામે કડક વલણ ધરાવતા લોકો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો ટકરાવ હતો. આ લોકોનું માનવું હતું કે ચીનને લઈને રાષ્ટ્રપતિ ટ્રમ્પના નિર્ણયોમાં જેન્સન હુઆંગનો જરૂર કરતાં વધુ પ્રભાવ હતો.
'ધ વોશિંગ્ટન પોસ્ટ'ના અહેવાલ અનુસાર, ટ્રમ્પ વહીવટી તંત્રના કેટલાક અધિકારીઓ હુઆંગના આ પ્રભાવને ખતમ કરવા માગતા હતા. ચિપ નીતિ સાથે જોડાયેલા એક પૂર્વ અધિકારીએ પોતાની ઓળખ ગુપ્ત રાખવાની શરતે જણાવ્યું હતું કે, "તેઓ રાષ્ટ્રપતિ પર જેન્સન હુઆંગનો પ્રભાવ ખતમ કરવા માગતા હતા."
ચિપની નિકાસ નીતિ અંગે હુઆંગના વલણને કારણે રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીઓ, સાંસદો અને નીતિ નિષ્ણાતો સામસામે આવી ગયા હતા. આ લોકો ચીનને અમેરિકાની અદ્યતન ટેકનોલોજી સુધી પહોંચવાની તક મળવાને વ્યૂહાત્મક જોખમ માનતા હતા. ચીનને AI ચિપ્સ વેચવાના મુદ્દે હુઆંગ અને અમેરિકન વહીવટી તંત્રમાં કડક વલણ ધરાવતા લોકો વચ્ચે મતભેદ વધતા ગયા હતા.
જેન્સન હુઆંગનું માનવું હતું કે અમેરિકન કંપનીઓને ચીનમાં ચિપ્સ વેચવાની મંજૂરી મળવી જોઈએ. તેમનો તર્ક હતો કે તેનાથી અમેરિકાને જ ફાયદો થશે. હુઆંગના મતે, જો ચીનની કંપનીઓ અમેરિકન ટેકનોલોજીનો ઉપયોગ કરતી રહેશે તો તેઓ તેના પર નિર્ભર રહેશે. ચીનને પોતાની ટેકનોલોજી વિકસાવવા માટે મજબૂર કરવા કરતાં આ વધુ સારો વિકલ્પ છે.
Nvidiaની AI ચિપ્સને લઈને હતો મોટો વિવાદ
જોકે, ચીન સામે કડક વલણ ધરાવતા અમેરિકન નેતાઓ અને અધિકારીઓનો અભિપ્રાય અલગ હતો. તેમનું માનવું હતું કે Nvidiaની અદ્યતન AI ચિપ્સ અમેરિકા માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. જો આ ચિપ્સ ચીનને વેચવામાં આવે તો તેનાથી અમેરિકાના વ્યૂહાત્મક હરીફને વધુ તાકાત મળી શકે છે.
આ વિવાદ ત્યારે વધુ વકર્યો, જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પે આવકમાં હિસ્સો આપવાની શરતે Nvidiaની કેટલીક ચિપ્સ ચીનને વેચવાની મંજૂરી આપી હતી.
માનવામાં આવે છે કે આ નિર્ણય લેવામાં હુઆંગ અને ટ્રમ્પ વચ્ચેની સીધી વાતચીતે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ડિસેમ્બર 2025માં વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનિકે આ સમજૂતીને બે પ્રભાવશાળી વ્યક્તિઓ વચ્ચેની વાતચીતનું પરિણામ ગણાવી હતી. જોકે, વહીવટી તંત્રમાં દરેક વ્યક્તિ આ રીત સાથે સહમત નહોતી.
આ રીતે થયો હુઆંગના અફેરનો પર્દાફાશ!
'ધ વોશિંગ્ટન પોસ્ટ'ના અહેવાલ અનુસાર, બે પૂર્વ અધિકારીઓએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા કેટલાક અધિકારીઓ એ વાતથી નારાજ હતા કે હુઆંગને રાષ્ટ્રપતિ સુધી આટલી પહોંચ કેવી રીતે મળી અને તેમના નિર્ણયો પર તેમનો પ્રભાવ જોવા મળી રહ્યો હતો.
આ મામલે નવો વળાંક ત્યારે આવ્યો, જ્યારે અમેરિકાના વિદેશ મંત્રી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માર્કો રૂબિયોએ હુઆંગના એક ચીની મહિલા ઉદ્યોગપતિ સાથેના સંબંધોને લઈને દરમિયાનગીરી કરી હતી. અમેરિકાની ગુપ્તચર એજન્સીઓને શંકા હતી કે આ મહિલાના ચીનની ગુપ્તચર એજન્સીઓ સાથે સંબંધો છે.
'ધ વોશિંગ્ટન પોસ્ટ'ના અહેવાલ અનુસાર, રૂબિયોએ CIAના એક અહેવાલના આધારે ટ્રમ્પને એક મેમો મોકલ્યો હતો. તેમાં તેમણે હુઆંગના આ સંબંધોને લઈને ચેતવણી આપી હતી. આ મામલાની જાણકારી ધરાવતા એક વ્યક્તિએ જણાવ્યું હતું કે રૂબિયોએ મેમો તૈયાર કરતી વખતે એજન્સીના તારણોને વધુ કડક શબ્દોમાં રજૂ કર્યા હતા.
બાદમાં આ અહેવાલ મીડિયામાં લીક થયો હતો. તેના કારણે હુઆંગના અંગત સંબંધો અને તેનાથી રાષ્ટ્રીય સુરક્ષા પર પડી શકે તેવી અસરનો મામલો જાહેરમાં આવ્યો હતો.
હુઆંગે બાદમાં સ્વીકાર્યું હતું કે તેમને Nvidiaના એક ગ્રાહકની કંપનીમાં કામ કરતી એક મહિલા અધિકારી સાથે અફેર હતું. આ મામલે તેમણે માફી પણ માગી હતી.
Nvidiaના બોર્ડે આ સંબંધોને કારણે કંપનીની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ થઈ છે કે કેમ તેની તપાસ શરૂ કરી હતી. જોકે, શરૂઆતમાં બોર્ડે હુઆંગના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
પરંતુ બાદમાં Nvidiaની જ એક મહિલા કર્મચારી સાથે હુઆંગના અફેરના અહેવાલો સામે આવતાં વિવાદ વધુ વકર્યો હતો. ત્યારબાદ હુઆંગે CEO પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
